લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકસ્માત
૩૫૫
 

કોઈકે સાચું કહ્યું છે કે પાકે તો ખેતી નહિ તો ફજેતી, અને આકાશી જુગાર પર ટકી રહેલી ખેતીને માટે ફજેતીના વર્ષો ખેડુતોના નસીબે લખાયેલાં જ હતાં. હજી બે વર્ષ પહેલાં જ અનાવૃષ્ટિએ હાહાકાર મચાવી દીધો હતો. પશુઓને જીવાડવા લોકો ઘર ગામ છોડીને બહાર નીકળી પડ્યા હતા. ગામે ગામથી પશુધન ઘાસચારાની શોધમાં દૂર દૂર, ગીરના જંગલ સુધી જવાને નીકળ્યું હતું. ખેતરો વેરાન દીસતા હતા. ગરમ પવનની લહેર સતત વરસતી હતી, તૃષાતુર ધરતીના હૈયામાં ચીરાડો પડી હતી, પણ મેઘરાજા ધરતીનો પાલવ પકડીને પ્રેમકેલી રચવા તૈયાર ન હતો. ધરતી સાથે જાણે એણે રૂસણાં લીધાં હતાં, અને ધરતીના માનવો ક્ષુધાથી પીડાતા મૃત્યુને શરણે જતા હતા.

ધરતી પૂછતી પોતાના પ્રિયતમ મેઘને, ભલા વિયોગની લાંબી વાટ તો મેં પ્રેમપૂર્વક તારી પ્રતીક્ષા કરતાં કરતાં પૂરી કરી, જેઠના તોરણો બંધાયા અને હમણાં પિયુ આવશે તે મારા શુષ્ક બનેલા મનને, પ્રેમ ધારાથી તૃપ્ત કરીને મારા મનડાને ડોલાવશે એવી આશાઓમાં દિવસો ગણતી હતી, પણ જેઠના તોરણો સૂકાયાં, અષાઢ આવ્યો. વિરહ ઘેલી વનિતા જેમ પોતાના પરદેશ ગયેલા પિયુની રાહ જોતી આંગણાના ટોડલે હાથ મૂકીને દૂર દૂર સુધી દૃષ્ટિ દોડાવતી ઊભી રહી અને હમણાં પોતાનો પિયુ આવશે ને પોતે તેની વિશાળ ભૂજાઓમાં સમાઈ જશે એવા સ્વપ્નામાં મહાલતી પ્રિયા, વિજોગણ બનીને પોતે વિરહમાં આંસુ સારતી રહે પણ પરદેશ ગયેલો પિયુ પાછો ન ફરે અને વિજોગણ વિરહમાં ઝુરતી આંસુ સારે એમ, હું પણ તારા વિજોગમાં બહાવરી બનીને ભટકું છું.

પણ મેઘ નમેરો થયો હતો. ધરતીનો કંઠ સૂકાતો હતો. એની વિશાળ છાતીમાં મોટી મોટી ચીરાડો પડી ગઈ હતી. એનું જીવન કરમાઈ ગયું હતું, છતાં મેઘને જાણે તેની પરવા જ ન હોય એમ, એના આગમનના કોઈ એંધાણ જણાતા ન હતા.