અનાવૃષ્ટિનો એ કાળ માનવોએ જેમ તેમ પૂરો કર્યો. ફરીને નભો મંડળમાં કાળા વાદળો ઘટાટોપ જામવા માંડ્યા, ધરતીએ ફરીને મેઘરાજા સામે આશાભરી દૃષ્ટિ નાંખી અને આ વર્ષે મેઘરાજા ધરતીની પ્રિતનો પાલવ ભરી રહ્યા, ખેડુતના વેરાન ખેતરો ફરીને હરિયાળા બન્યા ! કરમાયેલી ધરતીની મુખમુદ્રા પુનઃ પ્રફુલ્લિત બની. નિરાશ થયેલા માનવોના જીવનમાં આશાની ઉષ્મા પ્રગટી.
એ વર્ષ સોળ આની પૂરવાર થયું. ધરતી સાથે મેઘરાજા મન ભરીને ખેલતા હતા. ધરતી પણ હરિયાળી સાડી ઓઢીને મલક મલક થતી હતી. ગયા વર્ષનો બદલો આ વર્ષે ખેડૂતને મળી ગયો હતો.
પણ આ વર્ષે પુનઃ મેઘરાજા જાણે રિસાયા હોય એમ પ્રારંભમાં તો હાથતાળી દેતા હતા, વાદળો થતાં થોડીક વીજ પણ ચમકતી. થોડોક ગડગડાટ પણ થતો, થોડાંક છાંટણા પણ કરતો. આમ લોક હૈયે આશા પ્રકટાવતો પણ ફરી પાછો અદૃશ્ય થઈ જતો.
ધરતીને કહેતો હતો ‘આવું છું, હમણાં આવું છું’ ને એવો તો સંતાઈ જતો કે ધરતી બિચારી દિવસો થયા તેને ઢૂંઢીને હતાશ થઈ જતી, પણ એની હતાશા લાંબો સમય ટકતી નહિ. ક્યાંયથી પાછા વાદળો આભની અટારીએ જમા થઈ જતાં અને ધરતીના શુષ્ક દેહને થોડાંક અમી છાંટણાં દ્વારા તૃપ્ત કરતા.
આમ ધરતી અને મેઘ સંતાકુકડીની રમત રમતા હતા. ત્યારે ખેતરોમાં વાવેતર કરીને બેઠેલો ખેડૂતોના હૈયામાં ઘેરી નિરાશા ઉભરાતી હતી. આ વર્ષ પાછું બગડશે કે શું? એવી ચિંંતા ખેડૂતોની આંખમાં વંચાતી હતી, પણ મેઘરાજાની સવારી આવી પહોંચી, ધરતીએ એને વધામણાં દીધા. ખેડૂતોએ હૈયાનો આનંદ વ્યક્ત કર્યો અને ખેતરોમાં પાક લચી રહ્યો. માનવ માત્રના અંતરમાં આનંદ વ્યાપી રહ્યો. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સારા પાકની આશા સૌના મનમાં ઉમંગ પેદા કરતી હતી.