પણ છેલ્લી વાર જ્યારે તે બંદીવાન બનીને પોતાની પાસે આવ્યો ત્યારે કેવો બદલાયેલો લાગતો હતો? તેણે પોતાને મા કહીને બોલાવી હતી. પોતાના પ્રત્યે તેણે જે આચરણ કર્યું હતું એ માટે, એના દિલમાં પસ્તાવો થતો હતો. તુલસીની જેમ જ શિવ પણ બદલાઈ ગયો છે.’
મંગળા પાસે જવાબ મેળવવા ઉભો રહેલો તુલસી, મંગળાને ચિંતાતુર જોઈને કહેવા લાગ્યો ‘જ્યારે ને ત્યારે તું વિચારમાં જ કેમ પડી જાય છે મંગળા ? માની વાત શી ખોટી છે કહે તો ? આ ઉઘાડ નીકળે ત્યાં સુધી તું અમારી સાથે રહે તો તને શો વાંધો છે ?’
ને સલાહ આપવા માંડ્યો ‘આ તે કઈ મોટી વાત છે કે તેમાં આટલો લાંબો વિચાર કરવાનો હોય ?’ ને કહ્યું, ‘લે ચાલ તું લક્ષ્મણને લઈ લે. હું પ્રસાદને ઉંચકી લઉં છું ને તાળું મારી લઉં છું’ એમ કહીને તેણે પ્રસાદને ઉંચક્યો.
હવે મંગળાએ મૌન ખોલ્યું. તેણે તુલસીને કહ્યું: ‘અહીં એવો શો ભો છે તુલસી ? અને કંઈ હશે તો, તું ક્યાં દૂર છે ?’ અને પછી પોતાના હૈયાની કોર તુલસીના વર્તનથી કેવી ભીંજાઈ છે તે બતાવતી હોય એમ બોલી ‘તારો દેહ ત્યાં હશે પણ તારું દિલ તો અહીં છે એ હું જાણું છું ને તુલસી.’
બોલતાં બોલતાં એ શરમિંદી બની ગઈ.
‘પણ માનો આગ્રહ છે તો?’ તુલસીએ ઝવેરને નામે આગ્રહ કરતાં કહ્યું ! ‘એનું તો માન રાખ, મંગળા !’
બોલતાં બોલતાં એ દીન બની ગયો; મંગળા વિષે તેના દિલમાં જે ભારોભાર મમતા હતી તેના કારણે જ તે મંગળા સામે દીન બની જતો હતો.
‘એ તો હું જાણું છું કે તું માનો મોકલ્યો જ આવ્યો હશે ?’