સાદે હાલરડાંની હારમાળા શરૂ કરી. વળી વળીને તે બાજુના ખાટલામાં પોતાની બાજુમાં સૂતેલા પ્રસાદની પીઠ પર હાથ ફેરવીને તેની સામે જોઈને કાંઈક ગાતી તો, ઘડીકમાં ઘોડીયામાં પોઢેલા લક્ષ્મણ સામે જોઈ મંદમંદ સ્મિત કરતી ને હાલરડા લલકારતી હતી. આમ બન્ને બાળકો શાંત થયા, ગુલાબી નિંદમાં પોઢી ગયા અને પછી પોતે પણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પથારીમાં લંબાવ્યું, પણ બપોરે તુલસી એના મનમાં એક વિચાર મૂકી ગયો હતો. એના ઘરની એક દિવાલ દોદરી છે. કદાચ ધસી પડશે તો ? એ વિચાર ભયે તેની નિંદ્રા હરામ થઈ ગઈ હતી. બહાર પવનના સૂસવાટા એના બારણા સાથે જોર જોરથી અથડાતા હતા. કદી નહિને આજે તેને ભય લાગતો હતો, અમંગળ કલ્પનાઓ અને કુશંકાઓ તેના મનને ડહોળી રહ્યા હતા. પથારીમાં તે આમથી તેમ પડખાં ફેરવતી. પડખે પોતાના વિશ્વાસે ભર નિદ્રામાં પોઢલા પ્રસાદ પર તે પોતાનો હાથ ફેરવતી હતી. તો ઘડીકમાં બેઠી થઈને ઘોડીયામાં પોઢેલા લક્ષ્મણ સામે જોઈ લેતી.
આમ કરતાં રાત્રિ સુસવાટા કરતી વહી રહી હતી. પવન શાંત થયો હતો. વરસાદનું જોર પણ ઓછું થયું હોય એમ જણાતું હતું. અને તેની આંખોમાં નિદ્રાના ઘેન ઉભરાવા લાગ્યા. તે નિંદ્રાધીન બની ગઈ.
હજી તો ભર નિંદ્રામાં તે ઘસડાઈ ન હતી ત્યાંજ એની અમંગળ કલ્પનાઓ સાકાર થઈ, તુલસીએ કહ્યું હતું તેમ જ થયું, ભયંકર અવાજ વચ્ચે કરો જમીનદોસ્ત થયો, છાપરૂં તૂટી પડ્યું અને કાળી ચીસ સંભળાઈ અને શાંત થઈ ગઈ. એ કાળી ચીસ તુલસીના કાનના પડદા ચીરી ગઈ, એકદમ તે ઉભો થઈ ગયો, ને ગભરાટમાં પડ્યો હોય એમ તે બોલ્યો ‘મા. મંગળા દટાઈ ગઈ.’
ઝવેર જાગે તે પહેલાં તો તેણે બારણાં જોરથી ઉઘાડી નાંખ્યા