લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
ખાખના પોયણાં
 

સરિતા અને નાનકડા હાથે, ભંગારના ઢગલા પર ચઢવાનો તેનો પ્રયાસ, સૌના દિલમાં અપાર વ્યથા પેદા કરતો હતો.

એને શ્રદ્ધા હતી, મંગળા પેલા ખાટલામાં નિંદ્રાધિન થયેલી છે, અને પોતાની બૂમોથી તે તેને ઉઠાડી શકશે. રોજ મંગળા ઉઠતાંની સાથે જ હેતપૂર્વક પ્રસાદને ખાટલામાંથી તેડી લેતી અને અંદરના ભાગમાં લઈ જઈને દૂધ પીવડાવતી હતી. એ પછી તેના ગાલો ચૂમીને તેને બહાર મોકલતી કહેતી, ‘જો તો લક્ષ્મણ ઊઠ્યો છે, જોઈ આવ તો ?’ ને તે દોડતો દોડતો બહાર આવતો, લક્ષ્મણના ઘોડિયા પાસે ઊભો રહેતો. જો જાગ્યો હોય તો તેને રમાડવા બેસી જતો અને ન જાગ્યો હોય તો પાછો ફરતો મંગળાને કહેતો, ‘હજી ઊંઘે છે.’

પણ આજે રામ અને લક્ષ્મણ બન્ને જાગી ગયા, છતાં હજી મંગળા ઉઠતી ન હતી. અને હવે કદી પણ ઉઠશે નહિ એ વાત પ્રસાદને કોઈ કહી શકતું ન હતું.

આખો દિવસ તે એમ ભંગાર પર બેસી રહ્યો હતો. મેઘરાજા દિવસો સુધી તાંડવ કરીને શ્રમિત થયા હોય એમ વિદાય થઈ ગયા હતા. ધરતીનો ખોળો છલકાઈ ગયો હતો. પાણીથી ભરાયેલા ખેતરો હવે ધીમે ધીમે ખુલ્લા થતા જતા હતા. ગામમાં ભરાયેલા પાણી હવે ઉતરી ગયા હતા. ને સૂરજ દેવતા ફરીને પાછા નભોમંડળમાં રમવા આવી પહોંચ્યા હતા. દિવસોના દિવસો બેચેનીમાં વિતાવ્યા પછી આજે માનવોને ચેન પડતું હતું, લોકો ખેતરમાં થયેલી બેહાલીના દૃશ્યો જોવા જઈ રહ્યા હતા. કાદવમાં પગ ખૂંપી જતા હતા. ખેતરાનો ઊભો પાક જમીન પર આડો પડી ગયો હતો અને ખેતરોના છેડે ઊભા ઊભા ખેડૂતો પોતાના દિવસોના પ્રસ્વેદનું જહેમતનું અને નાણાંની બરબાદીનું આ કરુણ દૃશ્ય જોતાં જોતાં આંખોમાં પાણી ભરાતા હતા.

ચોપાસ તમરાઓ ઉડતા હતા. ચારે બાજુ કાદવ કીચડમાં ખૂંપી ગયેલા પાકની બરબાદી સિવાય કશું જ નજરે ચડતું ન હતું. હવે