લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાખનાં પોયણાં
૩૭૧
 

તો થોડા દિવસ સૂરજ–દેવતા બરાબર તપે, કાદવ સુકાઈ જાય પછી જ ખેતરોમાં ફરીને ઉદ્યમ કરવાનું ખેડૂતોના માટે શક્ય હતું.

પણ તુલસીના હૈયામાં મંગળાના મૃત્યુનો, પ્રસાદના વિલાપનો જે કારી ઘા પડ્યો હતો તે એટલો અસહ્ય હતો કે પોતાના ખેતરની બેહાલી જોઈને, મનઃપ્રદેશ પર વધુ ઘા જીરવવા તે તૈયાર ન હતો.

દિવસો વિતતા હતા છતાં હજી પ્રસાદ મંગળાને યાદ કરીને તેને શોધવા માટે પેલા ભંગાર તરફ દોડ્યો જતો હતો. ઝવેર એને પોતાના ખોળામાં બેસાડીને ઘણીવાર પ્રેમથી સમજાવતી હતી કે ‘મંગળા તો ભગવાનને ઘેર ગઈ છે. થોડા દિવસ પછી પાછી આવશે હોં.’ પ્રારંભમાં રડી રડીને થાકી ગયા પછી પ્રસાદને માટે ઝવેરનું આ આશ્વાસન કામ લાગતું હતું, પણ દિવસો વિતવા છતાં મંગળાનું દર્શન નહિ થતાં પ્રસાદ ફરીને મંગળાને મોટા સાદે બોલાવતો રડતો, હૈયાફાટ કલ્પાંત કરતો, અને એવી જ હાલતમાં પેલા ભંગાર પર જઈ બેસતો ને જોર જોરથી મંગળાને બૂમ મારતો, એના મનમાં એમ જ હતું કે મંગળા આ ઢગલા તળે જ સૂઈ રહી છે અને પોતાનાથી રિસાઈને બોલતી નથી.

કોકવાર પ્રસાદ જ્યારે મંગળાને પરેશાન કરતો ત્યારે મંગળા એને કહેતી, ‘જો પ્રસાદ તું મારું કહ્યું નહિ માને તો હું તારાથી રિસાઈ જઈશ, પછી તારી સાથે બોલીશ જ નહિ,’ અને પ્રસાદ તરત જ મંગળાને મનામણાં કરવા લાગતો. કહેતો ‘મંગળા, હું તારું કહ્યું કરીશ હોં પણ તું મારી સાથે બોલીશને ?’

ત્યારે મંગળા એના પ્રત્યે જોઈ, મીઠું મીઠું હસતાં કહેતી, ‘જરૂર બોલીશ હોં મારા લાલ,’ એ વાત રહી રહીને પ્રસાદના મનમાં ઊપસી આવતી. એટલે તે કહેતો, ‘મંગળા હું તારું કહ્યું કરીશ ઊઠને મારી સાથે બોલ!’

પણ મંગળા તો, પ્રસાદથી અતૂટ અબોલા લઈને વિદાય થઈ ગઈ હતી.