બોલતા બોલતા તુલસીના ગળામાં ડુમો ભરાયો; આંસુની ધારા વહેવા લાગી.
ત્યાં ઝવેર, પ્રસાદ અને લક્ષ્મણને લઈને આવી પહોંચી. શિવે જોયું તો બન્ને બાળકો હેમખેમ છે, માત્ર મંગળા જ વિદાય થઈ છે.
‘કાકી !’ શિવે ઝવેરની ચરણરજ લેતા કહ્યું, ‘મેં ત્રણ ત્રણ ખૂન કર્યાં છે, એક ખૂનમાં તો હું નિર્દોષ ઠર્યો છું. પણ ભગવાનને મારે ત્રણ ત્રણ ખૂનનો જવાબ આપવાનો છે. બાપને મારા કારણે જ મોત મળ્યું ને મગળા...’ ...તે વધુ બોલી શક્યો નહિ.
ઝવેરે તેને શાંત પાડતાં કહ્યું, ‘ભાઈ એનું મોત એ રીતે હશે. બાકી તે દિવસે જ તુલસી એને મારે ત્યાં લઈ આવવા ગયો હતો પણ તે ન આવી.’
શિવ એ ભંગારના ઢગલા પર બેઠો બેઠો મંગળાને વિષે જ વિચારતો હતો, જ્યારે રૂખીનું ખૂન કરીને તે જેલ ભેગો થયો ત્યારે, એને મન દુનિયા ડૂબી ગઈ હતી. માસ્તર હોત તો કદાચ તેમના પિતૃ દિલને પોતાના વિષે જરાપણ લાગણી થાત અને તેને છોડાવવાનો પ્રયત્ન કરત, પણ માસ્તરને તો પોતાના કારણે જ, અકાળે મૃત્યુની સોડ તાણવી પડી. મંગળા હતી, એના દિલમાં પોતાને વિષે દર્દ હતું પણ એ શું કરી શકવાની હતી ? પોતાના દીકરા પ્રસાદને જ તે હૈયા સરસી ચાંપીને બેઠી છે એ શું ઓછું છે ?’
ચોપાસ નજર નાંખતા એને કોઈ સહારો જણાતો ન હતો. કારાવાસની કોટડીમાં બેઠા બેઠા તે પોતાની જિંદગીના બાકી રહેલા દિવસો ગણતો હતો. ત્યાં એક બપોરે તેને વોર્ડમેને સમાચાર આપ્યા ‘બાંધવા, તને કોઈ મળવા આવ્યું છે.’
‘મને ?’ વોર્ડરની વાતમાં વિશ્વાસ બેસે તેમ ન હતું. જગતમાં જ્યાં પોતાનું કોઈ જ નથી ત્યાં, પોતાને મળવા કોણ આવે? વોર્ડર ભૂલતો હશે : કોઈકના બદલે કોઈકને કહેતો હશે. પણ વોર્ડરે તો