લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાખનાં પોયણાં
૩૭૯
 

બોલતાં બોલતાં તેણે મોટાં ડુસકાં લેવા માંડ્યાં.

તુલસી શિવને હૈયા સરસો ચાંપી રહ્યો હતો, એનો પોતાનો કંઠ પણ ભરાઈ ગયો હતો. એ બોલી શકતો નહોતો, ઝવેરની આંખ પણ આંસુભીની હતી અને ફળિયાના બીજા પાડોશીઓ પણ અવાક્‌પણે શિવના પશ્ચાત્તાપને નિહાળી રહ્યા હતા.

અંતે ઝવેરે જ કહ્યું, ‘લે ચાલ ભાઈ મારે ત્યાં, તારા પ્રસાદને હવે તારે જ જાળવવાનો છે ને? માસ્તરે તો મંગળાને સુપ્રત કરીને વિશ્વાસપૂર્વકની નિંદ લીધી પણ મંગળા તો તને સોંપવાય ન રહી, અને...’ ઝવેર વધુ બોલી શકી નહિ. સાડીના પાલવથી તેણે આંખના ખૂણા સાફ કર્યાં.

શિવને લઈને તુલસી જ્યારે ઘેર આવ્યો ત્યારે પ્રસાદ લક્ષ્મણને રમાડી રહ્યો હતો અને એને કહેતો હતો, ‘તું મોટો થઈશ એટલે આપણે બંને મંગળાને શોધવા જઈશું હોં !’

ને નીચો નમી લક્ષ્મણના હાથને પકડીને કહેતો હતો, 'બધા કહે છે કે મંગળા ભગવાનને ત્યાં ગઈ છે, તો આપણે પણ ભગવાનને ત્યાં જઈશું! તું આવીશને મારી સાથે ?’

શિવ અનિમેષ નજરે આ દૃશ્ય જોઈ રહ્યો. તુલસી અને ઝવેર શિવના મોં પર થતાં ફેરફારો જોઈ રહ્યા હતા.

‘શિવ! મંગળાની આ રામ–લક્ષ્મણની જોડી !’ ઝવેરે કહ્યું ને પ્રસાદની રમતમાં ભંગ પડ્યો. તેણે શિવને જોયો ને ભયનો માર્યો તુલસી પાસે દોડીને એના બે હાથમાં એવો તો લપાઈ ગયો કે જાણે છૂટવા જ માંગતો ન હતો.

પ્રસાદ સામે જોતાં શિવ મલકાયો; પણ પ્રસાદની નજરમાં તો ભય જ હતો. શિવ જેમ જેમ તેને પોતાની પાસે બોલાવવા મથતો હતો, પોતાના બે હાથ લાંબા કરીને તેને પોતાની પાસે આવવા નિમંત્રણ દેતો હતો, તેમ તેમ પ્રસાદ તુલસીના દેહ સાથે જડાઈ જતો હતો.