લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
ખાખનાં પોયણાં
 

‘જવા દે શિવ !’ તુલસીએ કહ્યું, ‘હજી એના મનની ભયગ્રંથી દૂર થઈ નથી. થોડા દિવસ સાથે રહીશ એટલે બધું ઠેકાણે આવી જશે.’

‘રે દુર્દૈવ!’ શિવે પોતાનું કપાળ કૂટતાં કહ્યું, ‘પોતાના પેટનું સંતાન પોતાનાથી ડરતું રહે એના કરતાં બીજું દુર્દૈવ કયું હોય ?’

ને તેણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, ‘પણ એમાં પ્રસાદનો શો વાંક ? મેં ક્યારે એને પ્રેમથી હૈયા સરસો ચાંપ્યો છે? ક્યારે હેતભર્યાં શબ્દોથી મેં તેને બોલાવ્યો છે ? ઉલટુ મેં તો એના પર ત્રાસ જ ગુજાર્યો છે.’ ને પછી પોતાની જાતને જ ભાંડવા લાગ્યો, ‘રાક્ષસ નહિ તો ? બાપને માર્યો, વહુનું ખૂન કર્યું, માને અકાળે મરવુ પડ્યું ને આ દીકરો પણ પાસે આવતાં ડરે છે.’

‘શિવ, આ બધી જૂની વાત હવે દાટી દે, જૂનો શિવ જેલમાં જ પુરાઈ ગયો છે. નવા અવતારે આવેલો શિવ હવે પ્રેમથી પ્રસાદને જાળવવાનો છે. માસ્તર અને મંગળાની એ થાપણ તને સાચવવા મળી છે, એમ જ માનજે !’ તુલસીએ તેણે સલાહ દીધી.

થોડા દિવસ શિવ તુલસીને ત્યાં રહ્યો અને પ્રયત્નપૂર્વક પ્રસાદને તેણે પોતાની પાસે આવતો કર્યો, હળવે હળવે એ શિવ સાથે હળતો થયો ને પ્રસાદના મનની ભયગ્રંથી તૂટવા લાગી. પ્રસાદને પોતાની પાસે બોલાવવા તેણે સૌથી પહેલા લક્ષ્મણને રમાડવા માંડ્યો ને પ્રસાદને કહ્યું, ‘રામ ! લક્ષ્મણ એકલો એકલો રમે ?’

‘રામ ! પ્રસાદને ઘણા દિવસે આ શબ્દ સાંભળવા મળ્યો. એ મંગળાનો રામ હતો. પણ હવે શિવનો રામ બની રહ્યો હતો.

‘હું રમાડીશને ?’ શિવથી થોડે દૂર ઊભા રહીને રામ બોલ્યો ને લક્ષ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યો, ‘લક્ષ્મણ, આપણે મંગળાને શોધવા જઈશું ને ?’

શિવ પાસે બેઠેલો લક્ષ્મણ, રામ સામે જોઈને ખડખડાટ હસી