તેણે કહ્યું, ‘ના બેટા ! તું અહીં જ રહે મારી પાસે !’
‘તો તમે ભગવાનને ત્યાંથી મંગળાને લઈ આવશો ?’ પ્રસાદે પ્રશ્ન કર્યો.
કેવી નિર્દોષતા હતી એ પ્રશ્નમાં ? પ્રસાદને તો ભગવાનને ત્યાંથી મંગળાને પાછી લઈ આવવી હતી. એને એવી જાણ ન હતી કે ભગવાનને ત્યાં ગયા પછી કોઈ પાછું આવતું નથી, અને મંગળા પણ હવે પાછી આવી શકે તેમ નથી, છતાં પ્રસાદની શ્રદ્ધાને તે તોડવા માંગતો ન હતો.
એને એક યુક્તિ મળી આવી.
તેણે એક દિવસ પ્રસાદને કહ્યું, ‘હું મંગળાને શોધવા જાઉં તો ! તું મારી સાથે આવે?’
બસ ! પ્રસાદના આનંદનો પાર ન રહ્યો. મંગળાને શોધવા પોતાના બાપ સાથે જવા તે તૈયાર થયો અને શિવનું કામ પણ સરળ બન્યું. પ્રસાદને લઈ જવા તે તૈયાર થયો.
શિવ સાથે વિદાય લેતાં પહેલાં પ્રસાદે લક્ષ્મણને સમજાવવા માંડ્યો અને લક્ષ્મણ પ્રસાદને સામે જોઈને હસી રહ્યો, પ્રસાદે એની વિદાય લીધી.
શિવ પ્રસાદને લઈને તુલસીનું ઘર છોડીને પોતાને ઘેર જવા લાગ્યો ત્યારે, ઝવેર અને તુલસીની આંખમાં આંસુ હતા. કેટલીય પળો સુધી તે શિવ અને પ્રસાદની પૂંઠ સામે જોઈ રહ્યા અને પછી આંસુ લૂછતાં તેઓ પાછા ફર્યાં.
ઝવેરના દિલની વ્યથા વધી ગઈ હતી, મંગળાનુ સ્મરણ હરપળે તે કરતી હતી.
મંગળાએ તો ખાખમાંથી પોયણાં પગટાવ્યા છે, તુલસી !’
ત્યારે તુલસી બે હાથની હથેળીમાં માથું મૂકીને આંસુ સારી રહ્યો હતો.