‘આવો દેવપુરુષ સમાજમાં તિરસ્કારને પાત્ર બને, લોકનિંદાનો ભોગ બને એ હું કેમ સહન કરી શકું?'
પોતાના ચરણો પાસે બેઠેલી મંગળાના મસ્તક પર પોતાનો હાથ મૂકીને એના દેહમાં જાણે નવું ચેતન ભરતા હોય એમ માસ્તર બોલ્યા, ‘મંગળા ! સમાજનો તિરસ્કાર મને ડગાવી શકતો નથી. લોકનિંદાથી હું ડરતો નથી. અને લોકપ્રશંસાથી હું ફુલાતો નથી. માત્ર મારું કર્તવ્ય પૂર્ણ કર્યાનો સંતોષ જ મારા માટે ચિર આનંદદાયી બની રહેશે.’
તેને ઊભી કરતાં કહ્યું, ‘ઊઠ, ઊભી થા ! હવે તારું કર્તવ્ય તારા પતિના જીવનને નવું બળ આપવાનું છે. તોતીંગ વૃક્ષના પાંદડાને જેમ પવનના ઝાપટા હલાવી મૂકે છે, ખળભળાવી દે છે તેમ તું જો લોકના કે સમાજના તિરસ્કારથી હાલીશ નહીં, ખળભળી ઊઠીશ નહીં, અને મસ્ત થઈને જીવીશ તો, પવનના ગમે તેવા ઝાપટા વચ્ચે પણ વૃક્ષ તૂટી પડતું નથી તેમ હું પણ લોકનિંંદા અને સમાજના તિરસ્કારના ઝાપટાંથી તૂટી નહિ પડું.'
માસ્તર જેમ જેમ મંગળાના ભાંગેલા દિલમાં ઉત્સાહના પૂર વહાવવા પ્રયત્ન કરતા હતા તેમ તેમ માંગળાના દિલમાં માસ્તર પ્રત્યેનો અહોભાવ જાગૃત થતો હતો. માસ્તર જે મક્કમતાથી ઊભી થનારી પરિસ્થિતિ સામે લડી લેવા તૈયાર થઈ રહ્યા હતા એ જોઈને મંગળાનુ દિલ દ્રવી જતું હતું. હજી પણ પોતાનું મન માનતું નહતું કે પોતે માસ્તરના ઘરમાં રહે, અને માસ્તરની બદનામીનું કારણ બની રહે.
તેના દિલમાં ડૂમો ભરાઈ આવ્યો. આંખોમાંથી આંસુ તો વહી શકતાં ન હતાં, પણ મૂંઝવણ વધતી જતી હતી. એ ડૂમા દ્વારા વ્યક્ત થતી હતી.