લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ખાખનાં પોયણાં
 

નકામું તો બનાવી જ દીધું છે. બહુ બહુ તો ત્રણ વરસ જો ખેંચી શકાય તો ઘણું થયું !' પંડ્યા માસ્તર મનને મનાવતા હતા, ને વિચારતા હતા : ‘નાનકડા પ્રસાદને જાળવવાનું કામ કાંઈ આસાન તો નથી ને? સ્ત્રીઓને છોકરા ઉછેરવાની જે સૂઝ છે, સમજ છે અને આવડત છે એવી સમજ, સુઝ અને આવડત પુરુષ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તેને મળવાનાં નથી.'

અને પોતે જ પ્રસાદને ઊછેરતાં કેવા કંટાળી ગયા હતા એનો ખ્યાલ કરવા લાગ્યા. પ્રસાદને સમયસર દૂધ આપવું જોઈએ. એની કુદરતી હાજતોમાં સહાયતા કરવી જોઈએ. એને આખો દિવસ રમાડવો જોઈએ અને રાત્રે પણ તેને પોતાની સોડમાં લઈને સૂઈ રહેતા. ઘણી રાત્રિઓ તેમને માટે વેરાન બની હતી. છતાં પ્રસાદનો ઉછેર તેની માતાના હાથે જેવો થાય તેવો થઈ શકતો ન હતો.

અને જાણે તે કેદખાનામાં પૂરાઈ ગયેલા કેદીની જેમ જીવન જીવતા હતા. કેદી પલાયન ન થાય એ માટે જેમ તેના હાથે પગે લોહ શૃંખલા ઠોકવામાં આવે છે તેમ પ્રસાદ એમના જીવનના વ્યવહાર માટે શૃંખલા જેવો બની ગયો હતો. તેઓ ઘરની બહાર પણ ભાગ્યે જ જઈ શકતા હતા. પરિણામે લોકો સાથેનો તેમનો વ્યવહાર સાવ સ્થગિત નો’તો થયો પણ રોજના જેવો તાજોય નો'તો રહી શક્યો. પ્રસાદને લઈને જવાનું તેમને ફાવતું જ ન હતું છતાં ક્યારેક ઘરના એકાંતમાં રહીને જીવ અકળાતો ત્યારે તેઓ પ્રસાદને લઈને ગામમાં કોકને ત્યાં જતા. પણ વાતોની મઝા મરી જતી. કાં તો પ્રસાદને ગમતું ન હોવાથી તે રડવા લાગતો હતો, અથવા તે માસ્તરની મૂછો ખેંચીને તેમને પરેશાન કરતો જેથી માસ્તર વાતોનો ઝાઝો રસ લૂંટી શકતા નહોતા.

આ સ્થિતિમાં મંગળાનું આગમન એમના માટે આશીર્વાદ