લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ખાખનાં પોયણાં
 

માંડ્યું. ‘તમે જે કાંઈ સાંભળો છો તે સર્વથા સત્ય છે, મંગળાએ પોતે જ તમારી પાસેથી લગ્ન જીવન પર આશિષ મેળવ્યા છે.'

‘પણ માસ્તર તમારી વય સામે તો જોવું હતું !' શ્યામલાલ માસ્તરે પોતાને કેવી રીતે સમજાવી દીધા છે તેનું ભાન થતાં જ બોલી ઊઠ્યા ને જરા મગજને ગરમ કરીને કહેવા લાગ્યા, ‘તમારા જેવા આ ગામના આબરૂદાર માણસ પાસેથી આવી અપેક્ષા અમે રાખી ન હતી.'

‘કેવી અપેક્ષા ?' માસ્તરે પૂછ્યું.

‘મંગળાનુ જીવતર બાળવાની !' શ્યામલાલે રોષભર્યા સ્વરે કહ્યું ને ઉમેર્યું, ‘તમે તો શિક્ષિત, તમારા આદર્શો, તમારી ભાવનાઓ અને જીવન વિષેના તમારા ઉચ્ચ ખ્યાલોએ ગામના છોકરાંઓને તમારા પ્રત્યે ભારે માન પેદા કર્યું છે. ગામમાં પણ તમે જ પૂછવા જેવા માણસ ગણાવ. તમે સૌને શિખામાણ દો તેવા ને તમે જ ઊઠીને આવો અનાચાર કરો તે કઈ રીતે યોગ્ય ગણાય.'

શ્યામલાલ હજી પોતાનું કથન પૂરું કરી રહ્યા ન હતા ત્યાં તો, વચ્ચે જ બીજાઓ પણ બોલી ઊઠ્યા ‘જીવકોરની નિરાધાર હાલતનો તમે લાભ ઉઠાવ્યો એમ જ ને માસ્તર ?'

માસ્તર શાંત હતા, તો મંગળાના દિલમાં દવ સળગતો હતો. સૌને જવાબ દેવા તે અધિરી બની રહી હતી, પણ માસ્તરે તેને હાથના ઈશારાથી શાંત રહેવા સૂચન કર્યું, અને તેના ખોળામાંથી પ્રસાદને પોતાની પાસે લઈ તેના પર જ પોતાની દૃષ્ટિ ઠેરવીને તેને એવી રીતે રમાડવા માંડ્યો કે જાણે મહાજનના આગ જેવા શબ્દો પણ તેમને દઝાડી શકતા ન હતા. મંગળા માસ્તરની આ શાંતિ જોઈને આશ્ચર્ય પામી હતી.