જીભ કરડીને મરવું પડે તેના કરતાં એ પાપનો બોજો એને માથે નાંખી દીછો છે એનો એકરાર કર !’
‘પણ માસ્તર ગુસ્સે થશે તો ?’ પાપનો એકરાર કરવા જતાં માસ્તરના મનની હલબલી ગયેલી શાંતિ વધુ જોરથી ખળભળી ઊઠે અને પરિણામે એમના ચિત્ત પર તેની કારમી અસર થાય તો ? મંગળાને એ ભય પાપનો એકરાર કરવા જતાં અટકાવતો હતો.
‘તો તું માસ્તરને હજી પૂરતી પિછાનતી નથી !’ પેલો અંતરનો અવાજ બોલી ઊઠ્યો. એમનું અંતર પુષ્પ શું કોમળ છે તો વજ્ર શું મજબૂત પણ છે, ઘણા ઘા ઝીલ્યા છે છતાં એમના મનની શાંતિ ડગી નથી. ભિતરની સ્વસ્થતા પણ હાલી નથી, જા ઊઠ, કહી દે, ને તારા મનને પણ શાંતિ થશે. એમને પણ પોતે કોના માટે કેવા પ્રકારનું બલિદાન આપી રહ્યા છે તેનો પણ સ્પષ્ટ ખ્યાલ આવતાં ઝંઝાવાતનો સામનો કરવા વધુ મજબૂત બનશે.’
ને મંગળા ઊઠી, સામે જ અપાર શાંતિથી બેઠેલા માસ્તરના પગ પાસે જઈને એમના પગ પકડીને નમી પડી, આંસુની સતત વહેતી ધારાથી માસ્તરના ચરણોનું પ્રક્ષાલન કરતાં કહ્યું, ‘દેવ! મને માફ કરો, હું અભાગી અપરાધી છું.’
માસ્તર મંગળાની આ વર્તનથી વિસ્મય પામ્યા ને મંગળાની પીઠ પર હાથ ફેરવતાં હિમ્મત દેતા હોય એમ કહેવા લાગ્યા. ‘મંગળા શાંત થા ! હવે તું મારી પાંખમાં છો. તારું રક્ષણ અને જતન એ મારી સવિશેષ જવાબદારી છે.’
ને મંગળાની બન્ને આંખમાંથી ગંગા-જમના વહી રહી હતી.