લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માથાભારે માનવી
૫૯
 

ને ખાટલો અગ્નિમાં ક્યાંથી પડ્યો ?’ નવલે સાથીદારો સામે જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું, ને ઉમેર્યું, ‘નક્કી ભૂતનું જ આ પરાક્રમ !’

ત્યાં તો એક સામટી ચિચિયારીઓથી વાતાવરણ ગાજી ઊઠ્યું, ભયાનક ચિચિયારીઓના સામટા અવાજોથી શાંત વાતાવરણમાં ભયનો સંચાર થયો ને તમામ મૂઠીઓ વાળીને દોડ્યા. એકે કહ્યું ‘હું તો કહેતો હતો કે આ વડની બખોલમાં ભૂતનો વાસ છે, પણ કોઈ માનતું ન હતું, લો હવે ખાત્રી થઈને?’

ત્યારે નવલશેઠ બેવડા શોકમાં હતા. એક તો પોતાના માટે ખાસ તૈયાર કરાવેલો કિંમતી ખાટલો આગમાં હોમાયો ને પાછો પોતે બેવકૂફ બન્યો !

સવારે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નવલશેઠને ખાટલા સહિત ભૂત હુતાશની પાસે લઈ આવ્યું. ને નવલશેઠ ઘેર માણસોને બોલાવવા ગયા ત્યાં તો ભુતે ખાટલાને હોળીમાં પધરાવી દીધો.

ગામમાં આશ્ચર્ય વ્યાપી ગયું; ભૂતના આ પરાક્રમથી સૌ પ્રભાવિત થયા હતા ત્યારે પંડ્યા માસ્તર એવી ઘેલછાને હસી કાઢતા હતા. તેઓ કહેતા, ‘ભૂત શી ને વાત શી ? મનનો વહેમ છે.’

‘તો તમે જ કહો, ખાટલામાં સૂતેલા શેઠને હોળી સુધી કોણ લઈ ગયું ?’ પ્રશ્ન થયો. પંડ્યા માસ્તર તેનો જવાબ શોધતા હતા.

દિવસો પછી પંડ્યા માસ્તરને તેમની શોધનો જવાબ મળ્યો. તુલસીનાં એ પરાક્રમ હતાં. પણ પોતે તુલસીને જાહેરમાં દોષિત ઠરાવીને, ગામલોકોમાં તુલસીનો કડપ બેસાડવા માંગતા નો’તા, આથી જ તુલસીને બદનામ કરવા પણ તેઓ માંગતા ન હતા. એટલે તેમણે એક દિવસ તુલસીને પોતાને ત્યાં બોલાવીને શિખામણ દીધી.

પણ તુલસીને કોઈની શિખામણની જરૂર જ ન હતી. માસ્તર સામે તે ઊંચા સાદે બોલી શકતો ન હતો. ગામમાં ગમે તેવી ચમરબંધી