લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ખાખનાં પોયણાં
 

વ્યક્તિનું તે તોડી શકતો હતો. પણ માસ્તરની તે પૂરતી અદબ જાળવતો એટલું જ નહિ પણ માસ્તર ના કહે તે કરવાની તેની ગમે તેવી તીવ્ર ઇચ્છા હોય તો પણ તે કરતો નહિ, ડરતો હતો.

⁠‘તમારી સલાહની મને જરૂર નથી માસ્તર !’ માસ્તરે નવલ શેઠના ખાટલાને સળગાવી દેવાના તુલસીના કૃત્યની ટીકા કરતાં જ તુલસીની આંખ રકતવર્ણી બની ગઈ. એના ઝુલ્ફાં ઊભા થઈ ગયાં... છતાં તે માસ્તરની અદબ જાળવતો હોય એમ બોલ્યો અને કહ્યું, ‘માસ્તર ! હું બધું સમજું છું. હવે કાંઈ નાનો કીકલો નથી તે તમારે મને શિખામણ આપવાની હોય?’

⁠તુલસી આવો જવાબ આપશે એવો તો પંડ્યા માસ્તરને પણ સ્વપ્નેય ખ્યાલ ન હતો એટલે તે તુલસીના જવાબથી આશ્ચર્યમુગ્ધ બની ગયા. પણ તરત જ પાછા યથાસ્થાને આવી ગયા. ને કહેવા લાગ્યા. ‘જો ભાઈ! તું સમજણો થયો છું એ તો જાણું છુ. પણ હજી તું ગધ્ધાપચીસીમાં છું એટલે સારા નરસાની સમજ તને આવી નથી, બાકી નવલશેઠના ખાટલાને આમ હોળીમાં મૂકી દીધો ન હોત !’

⁠‘તો દશ રૂપિયા આપી દેવા જોઈતા હતા ?’ તુલસી દલીલબાજી પર પણ હવે ઊતરી પડ્યો હતો એ જોઈને માસ્તરના અચંબાનો પાર ન રહ્યો. તેમણે હવે સોનાની જાળ પાણીમાં નાંખવાનું માંડી વાળ્યું ને તુલસી વિદાય થયો ત્યારે એની ચાલ કોઈક વિજેતાની જણાતી હતી.

⁠આવો તુલસી જીવકોરકાકીના ઘરના આપ્તજન જેવો થઈ ગયો હતો. જીવકોરને તેના પર પૂરતો ઈતબાર હતો એટલે ગમે ત્યારે તે રોકટોક વિના ઘરમાં આવી શકતો હતો. પણ એની આંખ મેલી બની રહી છે તે જીવકોરથી જોઈ શકાય તેમ ન હતું.

⁠ત્યારે અલ્લડ મંગળા યૌવનના રંગે રંગાઈ હતી. એના તન, મન યૌવનની તાજગીથી થનગનતા હતા. એની આંખોમાં અજબ