લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રસ્તાવના

વર્ષો પછી ખાખનાં પોયણાંની નવી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે ત્યારે વાંચકો સમક્ષ, માનવજીવનની સુવાસ આ કથા દ્વારા પ્રસ્તુત કરતાં હું આનંદ અનુભવું છું.

જ્યારે આ કથાના મંડાણ કર્યાં ત્યારે એક ઉદ્દાત ભાવના મનમાં હતી, પરકાજે જીવન ઘસી દઈને તેની સુવાસ દ્વારા માનવીના પરમ કર્તવ્યની એકાદ આવી પાતળી રેખા પ્રગટાવવાની કલ્પના હતી, નિસ્વાર્થ ભાવે જીવનના બલિદાન દેનારા આ જગતમાં ઓછા નથી. એવા જ એક પંડ્યા માસ્તરના બલિદાનની આ દાસ્તાન છે. મિત્ર-પુત્રીના તબાહ થયેલા જીવનને પંપાળી, તેને તેજવતું બનાવવા પંડ્યા માસ્તર, જીવનના કપરા સંજોગોમાં પણ અડીખમ ઊભા રહે છે.

ગામડાના એ સ્વમાની માસ્તર, સમાજમાં તેની પ્રતિષ્ઠા ઘણી, પણ મિત્ર-પુત્રીના તબાહ થયેલા જીવનને જાળવવા જતાં લોકનિંદાના કઠોર વેણ બરદાસ્ત કરતાં કરતાં પણ તેની કર્તવ્યકેડી ચૂકતા નથી, જીવનભર વખના ઘૂંટડા ભરતા જ રહે છે, તે ખાખમાંથી પણ પ્રફુલ્લ પોયણાં પ્રગટાવે છે.

કથાવસ્તુ એટલી જ જોરદાર છે કે, તેને હવે લાંબી પ્રસ્તાવનાની કોઈ જરૂર મને જણાતી નથી. વાંચકોએ તેને આવકાર દીધો જ છે એટલે વર્ષો પછી પ્રગટ થતી આ નવી આવૃત્તિને પણ વાંચકોનો આવકાર મળશે જ એવી શ્રદ્ધા છે.

અંતમાં કોઠારી પ્રકાશનગૃહના જુવાન સંચાલક મિત્રના ઉષ્માભર્યા સહકાર માટે અંતઃકરણપૂર્વક આભાર માનું છું.


૬૪, આઝાદ સોસાયટી
એલિસબ્રિજ
અમદાવાદ-૧૫
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ