લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાળોતરાને નોતરું
૬૯
 

‘ઓહો હો...’ મંગળાએ હાથનો લહેકો કર્યો ને કહ્યું, ‘શું મોં મલકાય છે ?’

‘મલકાય જ ને!’

‘તો સાંભળી લે મારી વાત તુલસી !’ જરા ગંભીર બનતાં મંગળા બોલી ને કહ્યું, ‘મેં તને ભાઈ કહેલો છે: હવે તને મારો પતિ શી રીતે બનાવવાની હતી ?’

‘અરે ગાંડી! જ્યાં સુધી કંકુમાં પાણી ન પડે ત્યાં સુધી તો કંકુ અને પાણી બન્ને જુદાં, પણ જ્યાં બે ભેગાં થાય ત્યાં કંકુને પાણી જુદાં પાડી શકાતાં નથી, એમ અત્યાર પહેલાં આપણે ગમે તે હતાં પણ જ્યાં પરણ્યા એટલે કંકુ પાણી ભેગાં !’

તુલસીના મલકાતા મુખડાં પર જાણે જોરથી તમાચો ચોઢી દેતી હોય એમ મંગળા બોલી, ‘કંકુ ને પાણી ભેગાં ! બોલ્યા ? જરા શરમ આવે છે બોલતાં ?’

‘એ તો સમય આવે સમજાશે !’ તુલસીએ જવાબ દીધો ને વિદાય થયો. મંગળા એકલી પડતી ત્યારે વારંવાર તુલસીના શબ્દો એના કાનમાં ગુંજારવ કરતા હતા. તુલસી જે રીતે બોલતો હતો તે જોતાં મંગળાને ખાત્રી થઈ ચૂકી હતી કે તે માતાને સમજાવવાનો પ્રયત્ન કરશે. પણ મંગળાના મનમાં તુલસી વિષે પૂર્વગ્રહ બંધાયો હતો. મંગળાને એના પ્રત્યે ભારોભાર નફરત હતી. ગામનો ઉતાર ગણીને તેનું નામ પડતાં જ તેના નાકનું ટેરવું ચઢી જતું હતું.

‘શા માટે તુલસી પોતાની પાછળ પડ્યો છે?’ મંગળા વિચારતી હતી. તેણે તુલસીની માતા ઝવેરના મોંએથી સાંભળ્યું હતું કે મારા તુલસીને માટે તો કેટકેટલાં માંગા આવે છે પણ હજી એનું મન જ માનતું નથી ને ? ને પછી પોતાનો દીકરો જાણે દેવનો દીકરો