હોય એવો ગર્વ ધરતાં ઝવેર કહેવા માંડતી, ‘કોક ભાગ્યશાળીએ પાંચે આંગળીએ પૂજ્યાં હશે તેને મારા તુલસી જેવો પતિ મળશે !’
મંગળા વિચારતી હતી, ‘આવો તુલસી પોતાની જ ઝંખના કેમ કરી રહ્યો છે? પોતે તો પાંચે આંગળીએ ભગવાનને પૂજ્યા નથી ને પોતાના મનમાં તુલસી વિષે સદ્ભાવ જ નથી ત્યાં તેને પામવાની ઈચ્છા પણ ક્યાંથી હોય ?’
ને મનોમન તે હસી પડતી, સ્વગત બબડતી, ‘તો તો તુલસીની માની વાત ખોટી જ ગણાય ને? તુલસીએ જ મને પામવા માટે પાંચે આંગળીએ ભગવાન પૂજ્યા હશે?’
‘પણ ના, પોતે તુલસીને પરણવા માંગતી જ નથી, પછી ભલેને તુલસી કહે છે તેમ માતા પોતાને ખાટી છાશની જેમ ગમે ત્યાં પરાણાવી દે. પણ તુલસી તો! નહિ જ, નહિ.’
બીજા દિવસે તુલસીએ કહ્યું હતું તેમ તેની માતા ઝવેર, જીવકોર પાસે આવી ત્યારે મંગળાના આશ્રર્યનો પાર ન રહ્યો. તુલસી અવારનવાર આવતો. જીવકોર બતાવે તે કામ કરતો. પણ તુલસીની માતા ક્યારેય આવી ન હતી, એટલું જ નહિ પણ તુલસી પોતાને ત્યાં આવે તે તેને ગમતું પણ ન હતું, છતાં તુલસી આવતો ત્યારે ફળિયામાં ઊભા રહીને જીવકોરના ઘર સામે હાથ લાંબા કરીને તે યદ્વાતદ્વા બકવાસ કરતી હતી.
‘તુલસીને જ ભાળી ગયાં છે મા-દીકરી !’ એક વખત તો ઝવેરે જીવકોર અને મંગળા સામે એવો ભયંકર આક્ષેપ મૂક્યો હતો, જે સાંભળીને રસોડામાં બેઠેલી જીવકોર કાળઝાળ થતી બહાર ધસી આવી હતી ને તુલસીની માનો લાગલો જ હૈડો પકડતા ગર્જી ઊઠી હતી, ‘જીભ સાચવીને બોલ ઝવેર નહિ તો માથું ફાડી નાંખીશ સમજીને ?’
‘તે મેં ખોટું કહ્યું છે ?’ ઝવેર પણ જાણે વાગ્ય યુદ્ધે ચઢવાના