લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાળોતરાને નોતરું
૭૭
 

છે, પણ હકીકતે પોતે કાળજા વિનાનો નથી જ, તેની મા પણ ક્યાં કાળજા વિનાની છે ?

‘હવે બધું થઈ રહેશે !’ તુલસીએ બોલતા બોલતા હોઠ કચાવીને માતાના રોષને શાંત કરવા માટે કહ્યું, ‘માડી! તું કોઈ વાતે ચિંતા ન કરતી. એ તો જોઈ લઈશ !’

‘ના બેટા, આપણે હવે એનું નામ નથી દેવું !’ ઝવેર સમજી ગઈ કે તુલસી ધારે તો ઊડતાં પંખી પાડે તેવો છે એટલે કદાચ કાંઈક કરી બેસે તો એને તો જીવવા આરો ન રહે, એટલે તેને શિખામણ દેતાં કહ્યું, ‘જીવકોરની મરજી ન હોય તો આપણે શું કરવાના હતા ? જેવાં જેનાં નસીબ !’

‘એ બધું થઈ પડશે !’ તુલસી માત્ર આટલા જ શબ્દો બોલતો હતો ત્યારે એના મનમાં એ ઘાટ ગોઠવતો હતો એની મુખમુદ્રા પર દૃઢતા છવાયેલી હતી. એની આંખોમાં નિશ્ચલ બળ વ્યક્ત થતું હતું.

એણે બે હાથની મુઠ્ઠીઓ વાળી અને એક બીજા હાથની હથેલીમાં પછાડતાં સ્વગત બબડવા લાગ્યો. ‘ઓહોહો! આટલો મિજાજ ? સામે ચાલીને માંગુ કરું ત્યારે મોં ધોવા જાય છે પણ હરામની બચ્ચી જશે ક્યાં? મારા ૫ંજામાં સપડાઈ કે બસ... તેણે પોતાના એક હાથને બીજા હાથે વળ દીધો.

ઝવેર એને મૂકીને રસોડામાં પેસી ગઈ હતી. ચૂલામાં લાકડાં ભડભડ સળગતાં હતાં. ચૂલા પર મૂકેલી હાંલ્લીમાં ખીચડી ખદબદતી હતી. ઝવેરની હાલત પણ એવી જ હતી. જીવકોર પાસે વાત નાંખવામાં પોતે કેટલી ગંભીર ભૂલ કરી છે એના પસ્તાવાથી એના મનની ખીચડી ખદબદતી હતી તો જીવકોરનાં વેણ યાદ આવતાં એનું અંતર ભડકે બળતું હતું.