થતો હતો પણ બપેારનો તડકો સૌને મીઠો લાગતો હતો એવી એક બપોરે મંગળા અને તેની ચારેક બહેનપણીઓ ફળિયામાંથી બહાર જતી હતી. તુલસી પોતાના ઘરની ઓસરીમાં ખાટલો નાંખીને પડ્યો હતો. પોતાના આંગણા પાસેથી જ આ યુવતી મંડળ પસાર થતું હોવા છતાં, પોતાને એમની સામે દૃષ્ટિપાત કરવાની પણ કશી જ જરૂર નથી એવો દેખાવ કરીને તુલસી પડી રહ્યો હતો. માત્ર એ યુવતી મંડળ વચ્ચે ચાલતા વાર્તાલાપને સાંભળવા તેણે પોતાના કાન સરવા કર્યાં હતા.
મંગળા કહેતી હતી. ‘લલ્લુકાકા આજ સવારે જ આવીને માને કહી ગયા હતા. ગોરાણીમા ! તુવેર મંગાવી લેતા હો તો. ઘણી વાર તેઓ કહી જતા પણ મા એમની વાત કાને ધરતી જ ન હતી. પણ આજ તો એમનો આગ્રહ જ એવો હતો કે માને નામરજીએ પણ તેમનું વેણ રાખવું પડ્યું.’
તુલસીના કાને મંગળાના આ શબ્દ પડતાં જ, મન સાથે તેની ગેડ બેસી ગઈ. અને શિકાર પર તૂટી પડવાની તૈયારી કરતો તે એકદમ ઊભો થયો. જે શિકારને પોતે ઝડપવા માંગતો હતો તે શિકાર આમ તેના હાથમાં આટલી સરળતાથી આવી પડશે એવો ખ્યાલ તો તેને પણ ન હતો. અને તેમાં પણ તેણે જોયું કે મંગળાની સાથે જીવકોરની જીવતી ચોકી ગોઠવાઈ ગઈ હતી.
મંગળા અને તેની સખીઓ ફળિયામાંથી વિદાય થઈ. ખેતરનો માર્ગ પકડ્યો. નાનકડાં નેળિયામાંથી બપોરના મીઠા લાગતા તાપમાં કાયામાંથી ઠંડી ઉડાડતા આગળ વધી રહ્યા હતા. ત્યારે તુલસી ખાટલામાંથી ઝડપ કરતાંને ઊભો થયો ને ખીટીએ નાંખેલી પછેડી હાથમાં લઈને તેણે માથું બાંધવા માંડ્યું.
તુલસીને આમ ઊભો થયેલો જોઈને ગમાણ સાફ કરતી ઝવેર પૂછવા લાગી: ‘વળી પાછો ક્યાં ઉપડ્યો?’