‘લે, હવે બીજી કોઈ વાત છે તારે કહેવાની?’ તુલસીએ જવા માટે બહાર પગ દેતાં કહ્યું ને ઝવેર સામે તીરછી નજર કરતાં બોલ્યો, ‘લોકો તો નવરા છે તે ગમે તેમ બોલે !’
‘પણ તારું જ કેમ બધા વાંકું બોલે છે?’
‘શું કર્યું છે મેં એ તો કહે?’ તુલસીને માતાના શબ્દો ગમતા ન હતા. અને આવા અણગમતા શબ્દો સાંભળીને તેનું મગજ તપી ગયું હતું. તે આકળો થઈ ગયો ને બોલ્યો, ‘મા ! હું મારું હિત બરાબર સમજું છું પણ આ દુનિયા તું ધારે છે તેવી નથી. માંયકાંગલા ને નિર્બળને તો કોઈ જીવવા દે તેમ નથી.’
ને તેણે ત્વરિત ગતિએ ઉંબરો ઓળંગ્યો. છલાંગ મારીને પરસાળમાંથી બહાર નીકળી ગયો ને જાણે પવન પાવડી પર ચઢીને ઊડતો હોય એમ જોતજોતામાં તો તે ફળિયાની બહાર નીકળી ગયો.
ઝવેર અને જોતી રહી. એની પૂંઠ દેખાઈ ત્યાં સુધી એના મનમાં વ્યાપી રહેલો ક્રોધ ફૂંફાડા મારતા રહ્યો.
ત્યારે છટકી ગયેલા શિકારને પકડી પાડવા, શિકારી પ્રાણી જેમ ચારે પગે દોડે તેમ તુલસી દોડતો હતો.
જેમ તેની ગતિમાં ઝડપ દેખાતી હતી તેમ એનું મન પણ સાથે વિચારોમાં દોડતું હતું. ‘કેટલે પહોંચ્યા હશે ?’
‘અરે નેળિયામાં હશે હજી તો ? જરા પગ દબાવ તો ! પહોંચી વળીશ.’ એના અંતરમાં બેઠેલો શયતાન કહેતો હતો. એને ખાતરી હતી કે પોતાને જોતાં જ મંગળા ભયભીત બની જશે. પેલા રાંક હોલાની જેમ ફફડશે. તે દીનવદને પોતાને જવા દેવા પ્રાર્થના કરશે પણ તે હવે જવા દેશે જ નહિ. ‘હરામજાદી ! હજી તુલસીને તું ઓળખતી નથી તો ?’ ને તેણે દાંત કચકચાવ્યા. બે હાથની મૂઠીઓ વાળીને તે દોડતો હતો. એણે એક હાથની મૂઠી હવામાં