આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
હાલો ગલૂડાં રમાડવા
[શેરીમાં કૂતરી વીંઆય, એ ગ્રામ્ય બાલકો માટે આનંદ, નૃત્ય અને પશુપ્રેમના ઉમળકા ઠલવવાનો અવસર બને છે. એ મમતાને ગીતમાં ઉતારવાનો પ્રયાસ છે.]
♠
કાળૂડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાંને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!
માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે
વેલે ચોંટ્યા જેમે તૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!
માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!