પૃષ્ઠ:Killol.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૬નીંદર-ચોર


કેણે નીંદરડી ચોરી
હો બેની ! તારી કેણે નીંદરડી ચોરી !

થાક્યાં તાણીને તારી દોરી
હો બેની ! તારી કેણે નીંદરડી ચોરી !

ઝંપ્યાં છે ઝાડ પાંદ, ઝપ્યાં પંખીડલાં,
વેળા વૈશાખની બપોરી – હો બેની૦

પાણીડાં ગઇ'તી હુંતો પાદરડી વાડીએ,
ઝોલાં ખાતી'તી ગાય ગોરી – હો બેની૦

શેરીમાં જાઉં ત્યાંય શીળૂડે છાંયડે,
ઉંઘે છે ડાઘીયો અઘોરી – હો બેની૦

આંબાની મ્હેક મ્હેક મંજરીનાં ઝુંડમાં,
પોઢ્યાં ચકવાં અને ચકોરી – હો બેની૦

ડોબીની ડોક તણું માંડી ઓસીકડું,
ઘોરે ગોવાળીઆની છોડી – હો બેની૦

સૌએ સંપીને તારી નીંદર સંતાડી !

રાખી નહિ રાતની ય થોડી – હો બેની૦