પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
મુક્તા (મુત્તા)


વિષયલોલુપ થવાથી મનુષ્ય કેટલી અધોગતિએ પહોંચે છે, કેવી શોકજનક સ્થિતિમાં પડવું પડે છે, એ બતાવવાનો તેની ગાથાનો ઉદ્દેશ છે. ઋદ્ધિ અને અભિજ્ઞા પ્રાપ્ત થયા પછી કેવો આનંદ અને સુખ મળે છે તે પણ તેણે વર્ણવ્યું છે. મારે તેને લલચાવીને ધર્મના માર્ગમાંથી વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એણે મારને ખંખેરી કાઢ્યો હતો કે, “મેં તૃષ્ણાને છોડી દીધી છે. તમનો નાશ કર્યો છે. હે માર ! હું એવી છું. હે પાપી ! મેં તારો પણ નાશ કર્યો છે. તારી મગદૂર નથી કે મને પવિત્રતાના ધર્મમાંથી ખસેડી શકે.”

ક્ષેમા ભિક્ષુણીની બરોબર એની યોગ્યતા બૌદ્ધ ગ્રંથોમાં માનવામાં આવી છે.

cener
cener

२२–मुक्ता (मुत्ता)

cener
cener

શ્રાવસ્તી નગરીમાં એક સુપ્રસિદ્ધ બ્રાહ્મણના કુટુંબમાં એનો જન્મ થયો હતો. એ જન્મપર્યંત કુમારી રહી હતી અને વીશ વર્ષની ઉંમરે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પિતૃગૃહનો ત્યાગ કરીને શ્રમણી અથવા થેરી બની હતી. સ્વયં મહાપ્રજાપતિ ગૌતમીએ તેને ઉપસંપદા અથવા ધર્મદીક્ષા આપી હતી. મહાપ્રજાપતિ ગૌતમી પાસે તેણે ઊંચા પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું હતું. વડીલ ભિક્ષુણીઓ તરફ એ ઘણો પૂજ્યભાવ રાખતી અને તેમની સેવાશુશ્રુષા કરતી. તેની ભક્તિ અને ધ્યાન ધરવાની પદ્ધતિથી બુદ્ધદેવ ઘણા પ્રસન્ન થયા હતા. બુદ્ધદેવની સહાયતાથી મુક્તા થોડા સમયમાં ‘અર્હંત્’ પદને પામી હતી. મુક્તાએ પોતાને સંબોધન કરીને એક ગાથા રચી છે, જેનો ભાવાર્થ એ છે કે, “હે મુક્તે ! જ્યારે લાગ ફાવે ત્યારે અથવા જ્યારે શુભ ક્ષણ આવી મળે ત્યારે જેવી રીતે રાહુથી ગ્રસાયલો ચંદ્ર શુભ યોગ મળતાં પોતાને મુક્ત કરે છે તેવી રીતે તું પોતાને સંસારનાં બંધનોમાંથી મુક્ત કર. મુક્ત મન વડે ઋણમુક્ત થઈને જીવન ધારણ કર.”