પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



२३–शृगालमाता

બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધાવાળી અને શ્રદ્ધાનાજ બળ વડે મહાન બનેલી કોઈ ભિક્ષુણી હોય તો તે શૃગાલમાતા જ છે.

એમ કહેવાય છે કે પદ્મોત્તર બુદ્ધના સમયમાં હંસાવતી નગરીમાં એ રહેતી હતી અને શાસ્તા બુદ્ધદેવના ધાર્મિક વ્યાખ્યાનોથી એના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. ત્યાર પછી એક દિવસ વિહારમાં ધર્મકથા થઈ રહ્યા પછી બુદ્ધદેવે ભિક્ષુણીઓના યોગ્યતા પ્રમાણે વિભાગ પાડ્યા, ત્યારે એક ભિક્ષુણીને શ્રદ્ધાવતી ભિક્ષુણીઓમાં પ્રથમ સ્થાન મળેલું જોઈને આગલા જન્મમાં પોતાને પણ એવું જ પદ મળે એવી એણે ઈચ્છા રાખી હતી.

શુભ વાસના જન્મજન્માંતરમાં પણ ફળ્યા વગર રહેતી નથી. એ સિદ્ધાંતાનુસાર ભગવાન ગૌતમબુદ્ધનો આવિર્ભાવ થયો તે સમયમાં રાજગૃહ નગરમાં એક શ્રેષ્ઠ કુળમાં એણે જન્મ ધારણ કર્યો. લગ્નને લાયક વય થતાં કુળ, વિદ્યા અને ગુણોમાં એના સરખા એક યુવક સાથે એનો વિવાહ કરવામાં આવ્યો. ગૃહિણી ધર્મનું તેણે યોગ્ય રીતે પાલન કર્યું. એને એક પુત્ર અવતર્યો તેનું નામ શૃગાલ પાડ્યું.

શૃગાલને ભગવાન બુદ્ધે ગૃહસ્થનાં કર્તવ્યકર્મ સંબંધી એક અત્યંત હૃદયસ્પર્શી અને સુંદર ઉપદેશ આપ્યો. પોતાના પિતાની આજ્ઞાનુસાર એ તરુણ યુવક દરરોજ સવારે શહેરની બહાર જઈને સ્નાન કરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઉ૫૨ અને નીચે એમ છએ દિશાઓને ભીને કપડે અને ભીના કેશ સહિત નમસ્કાર કરતો. એક દિવસ એવી અવસ્થામાં બુદ્ધ ગુરુ એને મળ્યા અને દિશાનો ખરો અર્થ સમજાવ્યો અને તેને