પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
શૃગાલમાતા


વંદન કરવું એટલે એ કે એ ખાસ દિશા વડે જે જે જુદા જુદા સાર પ્રગટ કરવામાં આવ્યા છે, તેના ઉપર આસ્થા રાખવી તથા એ શુભ હેતુઓના રક્ષણ સારૂ રાતદિવસ પ્રયાસ કરવો અને એને અનુસરીને ગૃહસ્થાશ્રમ ચલાવવો એનું નામજ દિશાઓની પૂજા છે. એ ઉપદેશની અસર યુવક શૃગાલ ઉપર એટલી બધી થઈ કે, એ ભગવાનનો ઉપાસક બન્યો અને પ્રસિદ્ધિ પામ્યો. એ પુત્રને લીધે એની માતા શૃગાલમાતા તરીકે પ્રખ્યાત થઈ.

પુત્ર પાસેથી ભગવાન બુદ્ધ અને એમના સંઘ સંબંધી માહિતી મેળવી તેણે સંઘમાં પ્રવેશ કર્યો. સંઘમાં દાખલ થયા પછી તેણે શાં શાં સત્કર્મો કર્યા તેનું વિવરણ મળતું નથી, પણ એટલું જણાય છે કે સંઘમાં રહીને એણે શ્રદ્ધાનો ગુણ બહુ ખીલવ્યો હતો.

એક દિવસ એ વિહારમાં ગઈ હતી. એ સમયે શાસ્તા દશ બળ–બુદ્ધદેવ ધર્મકથા કરી રહ્યા હતા. એ વખતે શૃગાલમાતા શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે તેમનો ધર્મોપદેશ સાંભળી રહી હતી અને આ કાર્યમાં એ એવી તલ્લીન થઈ ગઈ કે ભગવાનના તેજસ્વી શરીર ઉપર તેનું ધ્યાન લાગી ગયું. ભગવાને જોયું કે એ સાધ્વીની શ્રદ્ધા પૂર્ણતાને પહોંચી ગઈ છે, એટલે એમણે એને એ ધ્યાન બળ વડે અર્હતની પદવી આપી.

એક દિવસ જેતવનમાં બુદ્ધ ભગવાન ભિક્ષુણીઓના તેમની યોગ્યતા પ્રમાણે વર્ગ પાડવા લાગ્યા, ત્યારે તેમણે શૃગાલમાતાને નિઃસીમ શ્રદ્ધાવાળી ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપ્યું. આ પ્રમાણે પૂર્વજન્મોની અભિલાષા શૃગાલમાતાના આ જીવનમાં સફળ થઈ.

२४–उत्तरा

નું જીવનચરિત્ર થેરી તિષ્યા (જુઓ પૃષ્ઠ ૯૪)ને મળતું છે. એણે પોતાની ગાથામાં લખ્યું છે કે, “મન, વચન અને કર્મને મેં સાધનાદ્વારા સંયમમાં રાખ્યાં છે અને તૃષ્ણાનો સમૂળગો નાશ કરીને નિર્વાણનું સુખ પ્રાપ્ત કર્યું છે.” એણે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું હતું.