પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
અન્સતરા તિષ્યા


કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે વિનયપૂર્વક જણાવ્યું કે, “સ્વામીનાથ ! સંસાર ઉપરથી મારી આસક્તિ ઉઠી ગઈ છે. હવે વિષયવાસના અને સુખવૈભવમાં મારૂં ચિત્ત જરા પણ ચોંટતું નથી.” તેનો પતિ પણ સંસ્કારી પુરુષ હતો. પત્નીની અભિલાષાને અનુસરીને એ તેને મહાપ્રજાપતિ ગૌતમીની પાસે લઈ ગયો અને નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને કહ્યું: “આ મારી ધર્મપત્ની છે. સંસાર ઉપર અરુચિ ઉત્પન્ન થવાથી એને ભિક્ષુણી થવાનું મન થયું છે. આપ એને દીક્ષા આપો.”

ત્યાર પછી તે ધનવૈભવમાં ઉછરેલી મંડપદાયિકાએ યથાવિધિ બૌદ્ધધર્મની દીક્ષા લીધી અને રાતદિવસ ગુરુની આજ્ઞા મુજબ ધર્મનું સેવન અને પાલન કરવાનું આરંભ્યું. આખરે એ ‘અર્હત્‌’ પદ પામીને મનુષ્યદેહ સાર્થક કરી ગઈ.

‘થેરી ગાથા’માં આ સાધ્વીની એકશ્લોકી રચનાને પ્રથમ સ્થાન મળ્યું છે. એ શ્લોકમાં સાધ્વી પોતાને સંબોધીને કહે છે કે, “હે થેરીકે ! (જ્ઞાનવૃદ્ધ ભિક્ષુની) ચોળા (પગ સુધી પહોંચે એવું સાધુઓને પહેરવાનું વસ્ત્ર) દ્વારા આખા શરીરને ઢાંકીને સુખે સૂઈ રહે–અર્થાત્‌ વાસનાશૂન્ય થઈને શાંત ભાવ ધારણ કર; કેમકે કોઈ ઘડામાં જળ ન હોય અને એને ચૂલા ઉપર મૂક્યો હોય તો એમાંથી ખળખળ અવાજ થતો નથી, તેવી રીતે તારી વાસનાઓનો વિકાર પણ શમી ગયેા છે.”

२६–अन्सतरा तिष्या

બૌદ્વધર્મમાં નામાંકિત થયેલી આ એક બીજી સાધ્વી રમણી હતી. થેરી થયા પછી તે ઉપસમા પામ્યા સુધીના એના જીવન સંબંધી વિશેષ હકીકત મળી આવતી નથી. એણે રચેલી ગાથાનો ભાવાર્થ નીચે મુજબ છે.

“હે તિષ્યા ! ધર્મયુક્ત થા. ધર્મના કાર્યમાં પોતાને લગાડ. શુભ ક્ષણને તું ચાલી જવા દેતી નહિ; કારણ કે જે લોકોએ શુભ ક્ષણને નકામી ગુમાવી દીધી છે–ફોગટ જવા દીધી છે તે લોકો તેને સંભારીને શોક કર્યા કરે છે અને નરકમાં પડે છે.”