પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



२९–धर्मदिन्ना

ગલા ચરિત્રમાં રાજા બિંબિસારનો કાંઈ પરિચય અમે આપી ગયા છીએ. એ રાજાને એક પરમ ઈષ્ટ મિત્ર હતો. તેનું નામ વિશાખ હતું. વિશાખ બુદ્ધદેવનો પરમ ભક્ત હતો અને એ ધર્મના માર્ગમાં એણે સારી ઉન્નતિ કરી હતી. ધર્મદિન્ના એ પરમ શ્રદ્ધાવાન ઉપાસકની સહધર્મચારિણી હતી. સદ્‌ભાગ્યે તેનો પતિ જેવો શ્રદ્ધાળુ અને ભક્ત હતો તેવો જ પ્રેમી પણ હતો, ધર્મદિન્ના પણ પરમ સુંદરી, વિદુષી અને સદાચારી હાવાથી એ પ્રેમને પાત્રજ હતી. પતિ પત્ની એકબીજા પ્રત્યેના અપૂર્વ પ્રેમની સાંકળથી બંધાયલાં હતાં. રાતદિવસ પતિને પ્રસન્ન રાખવો, એને પ્રિય હોય એવાં કાર્ય કરવાં, મધુરી વાતો કરીને એના કાનને તૃપ્ત કરવા એજ તેના જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો. હજુ સુધી ધર્મદિન્નાને બુદ્ધ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ નહોતી. વિશાખ પણ પત્નીની સ્વતંત્રતામાં આડે આવે એવો પતિ નહોતો. એણે પરાણે બુદ્ધદેવનો ધર્મ પાળવવાની પત્નીને આજ્ઞા ન આપી. એને ખાતરી હતી કે ધર્મદિન્ના મારી આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરે એવી નથી. એને પોતાને બુદ્ધદેવની શક્તિનું ભાન થશે એટલે એ એમનાં દર્શન કરવાની ઈચ્છા કરશે. વિશાખના મન ઉપર ધીમે ધીમે બુદ્ધદેવના ઉપદેશની વધારે ને વધારે અસર થવા માંડી. એ એમનો શિષ્ય બન્યો અને આધ્યાત્મિક માર્ગમાં એક એક પગથિયું આગળ ચડતો ગયો. જેમ જેમ ધર્મની પ્રાપ્તિ થતી ગઈ તેમ તેમ સંસારની આસક્તિ ઓછી થતી ગઈ; છતાં પણ પોતાની સ્નેહાળ પત્નીને ઓછું ન આવે તેને માટે એ બનતો પ્રયત્ન કરતો. ધર્મ સાધતાં સાધતાં એ ત્રીજે પગથિયે, અર્થાત્‌ અનાગામિ ફળ ઉપર પહોંચવા આવ્યો. એ સ્થિતિએ પહોંચનારને જન્મમરણનું દુઃખ ટળી જાય છે.