પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
ધર્મદિન્ના



સરખા ગામડામાં જઈ વસું.”

ભિક્ષણીઓએ તેને એકાંત સ્થળમાં મોકલી આપી. એ શાંત, એકાંત અને રમણીય સ્થળમાં ધર્મદિન્નાને ઘણો આનંદ આવ્યો. ધ્યાન ધરવાને માટે એવાંજ સ્થળો અનુકૂળ હોય છે. ત્યાં આગળ એણે ઇંદ્રિયોની વૃત્તિનું દમન કરવાનો અભ્યાસ કર્યો. ધ્યાન ધરતાં ધરતાં એ થોડા સમયમાંજ ‘અર્હત્‌’ પદને પામી. જન્મમરણના ચક્રમાંથી એ બચી ગઈ. ત્યાર પછી એણે વિચાર કર્યો કે, “મારે અહીંયાં એકાંત સ્થળમાં જીવન ગાળવું વૃથા છે. હવે હું કોઈ મોટા નગરમાં જાઉં તોપણ મારું ચિત્ત ચળે એમ નથી તથા મારા સંત્કાર્યમાં વિઘ્ન આવી શકે એમ નથી; બલ્કે રાજગૃહમાં ગયાથી હું બુદ્ધદેવના ચરણની સેવા કરી શકીશ અને મારાં સગાંસંબંધીઓ તથા અજ્ઞાનપાશમાં પડેલી મારી ભગિનીઓને ઉપદેશદ્વારા લાભ પહોંચાડીશ.” એવા શુભ ઉદ્દેશથી એ ૨ાજગૃહ નગરમાં ગઈ. ત્યાં ગયા પછી તેના પતિ વિશાખને ખબર પડી કે ધર્માદિન્ના પાછી આવી છે. એના મનમાં શંકા થઈ કે, “જન્મથીજ સુખ અને વૈભવમાં ઉછરેલી હોવાથી એનાથી ભિક્ષુણીવ્રતના સખ્ત નિયમો નહિ પળાયા હોય અને એ કંટાળીને અહીં મારી પાસે આવી હશે.” એ એને મળવા સારૂ ગયો અને એકાંતવાસમાંથી પાછા ફરવાનું કારણ પૂછ્યું. તેના ઉત્તરમાં જ્યારે ધર્મદિન્નાએ પોતાનો હેતું સમજાવ્યો ત્યારે એ ઘણો પ્રસન્ન થયો. પછી એણે પત્નીના ધર્મજ્ઞાનની પરીક્ષા લેવા સારૂ ધર્મજ્ઞાન સંબંધી કેટલાક પ્રશ્નો પૂછ્યા. જેટલી સહેલાઈથી કોઈ કમળના દાંડાને છરી વડે કાપી નાખે તેટલી જ સહેલાઈથી ધર્મદિન્નાએ પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર ઘણી સરળતાથી અને જલદીથી આપ્યો; ધર્મના પાંચ થાંભલા (રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન) હોય છે તે સમજાવ્યું. ધર્મના ત્રણ માર્ગ સંબંધી પ્રશ્નના ઉત્તર આપ્યા અને પછી આગળ પોતાના અધિકાર ઉપરાંત વિશાખ પ્રશ્ન કરવા ગયો, ત્યારે ધર્મમાર્ગમાં આગળ વધેલી ધર્મદિન્નાએ સમજાવ્યું કે, “આયુષ્યમન્‌ વિશાખ ! આપની જ્ઞાનેંદ્રિયથી અગોચર એવા પ્રશ્નોના ઉત્તર તમને આપવાની મારામાં શક્તિ નથી, દાખલા તરીકે નિર્વાણ, બ્રહ્મચર્યનાં કર્તવ્ય, નિર્વાણ પછી શું થાય છે ? નિર્વાણમાં અંતે સુખ શું મળે છે ? વગેરે પ્રશ્નોના ખુલાસા કરવા એ અઘરૂં છે. તમે ભગવાન બુદ્ધદેવની પાસે જઈને