પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ને એ પ્રશ્નો કરે અને એ જે ઉત્તર આપે તે ચિત્તમાં ઠસાવો.”

વિશાખે સઘળો વૃત્તાંત બુદ્ધદેવની આગળ કહી સંભળાવ્યો. એ વૃત્તાંત સાંભળીને બુદ્ધદેવ ઘણાં પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, “મારી એ છોકરીના મનમાં ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળના થાંભલાઓની તૃષ્ણા નથી.” એમ કહીને તેમણે ધર્મની એક ગાથા સંભળાવીઃ “જેને ભવિષ્ય, ભૂત કે વર્તમાન કોઈ પણ કાળના બંધનો સાથે સંબંધ નથી, તેનેજ અકિંચન કહે છે. જે કોઈ એવા અર્થમાં અકિંચન અને નિરાસક્ત હોય છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું.” બુદ્ધદેવે ધર્મદિન્નાના જ્ઞાનની ઘણી પ્રશંસા કરીને કહ્યું: “વિશાખ ! ઉપાસિકા, ભિક્ષુણી ધર્મદિન્ના ઘણી મોટી પંડિતા અને મહા પ્રજ્ઞાવતી છે. તું મારી પાસે પૂછવા આવ્યો હોત તો હું પણ તને ધર્મદિન્નાએ આપ્યા છે, એજ ઉત્તર આપત. તેણે જે અર્થ કહ્યો છે તે ખરો છે. તેનેજ તું ધ્યાનમાં રાખજે.”

ત્યાર પછી એક દિવસે જેતવનમાં શાસ્તા (બુદ્ધદેવ) બિરાજ્યા હતા. ભિક્ષુણીસંઘ ત્યાં એકઠો થયો હતો. ભિક્ષુણીઓને તેમની યોગ્યતા પ્રમાણે જુદા જુદા વર્ગમાં બુદ્ધદેવ ગોઠવી રહ્યા હતા. બૌદ્ધધર્મના નવે અંગમાં ધર્મદિન્ના પ્રવીણ હતી. જીવાત્મા છે કે નહિ, જીવાત્માને કેવી રીતે ઓળખાય, આર્યોના ધર્મનાં આઠ અંગ કયાં ? સંસ્કાર એટલે શું ? વગેરે અઘરા પ્રશ્નોનો તેણે ખુલાસો કર્યો હતો, તેથી બુદ્ધદેવે ભિક્ષુણીસંઘમાં તેને મુખ્ય સ્થાન આપ્યું. ધર્મની કથા કરવા માટે તે પ્રસિદ્ધ થઈ હતી. પોતાના સુંદર વ્યાખ્યાન વડે એ અનેક શ્રોતાઓના ચિત્તનું ધર્મની તરફ આકર્ષણ કરતી. એણે પોતાની કેટલીએ બહેનોને ધર્મકથા કહેવામાં પ્રવીણ કરી દીધી હતી. શુક્લા, બટકેશી વગેરે તેની શિષ્યાઓ હતી.

જનસમાજને શિક્ષણ આપવાનું અને ધર્મમાર્ગમાં લાવવાનું કાર્ય ધર્મદિન્નાએ ઘણી ઉત્તમ રીતે સંપાદન કર્યું હતું.

એની રચેલી એક ગાથાનો સારાંશ એવો છે કે, “સર્વોચ્ચ શાંતિની તૃષ્ણા જ્યારે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ચિત્તમાં વાસના રહેતી નથી અને જીવ ઉચ્ચ માર્ગે ઊડવા માંડે છે.”