પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



३०–मुक्ता (मुत्ता) बीजी

કૌશલ દેશના ઓઘાટક નામના દરિદ્ર બ્રાહ્મણની કન્યા હતી. વય પ્રાપ્ત થયા પછી એક કૂબડા બ્રાહ્મણ સાથે તેનું લગ્ન થયું. સ્વાભાવિક રીતે એમનો સંસાર સુખી નીવડ્યો નહિ. કૂબડો સ્વામી મુક્તાને માર પણ મારતો. આખરે સંસારથી કંટાળી સ્વામીની રજા લઈને મુક્તાએ પ્રવજ્યા લીધી હતી. એણે જે ગાથા રચી છે તેમાં સ્વામીનો પરિત્યાગ કરીને સુખી થયાની કથા છે. એ લખે છે કે, “મુક્તા ખરેખર મુક્ત થઈ છે. ત્રણ પ્રકારના કુબ્જપણાથી એ મુક્ત થઈ છે. ઊખળીમાં ડાંગેર ખાંડતી વખતે વાંકા વળવું પડતું, એ ઊખળી વાંકી હતી. મારે પોતાને વાંકાં વળવું પડતું અને પતિ તો કૂબડા હતાજ. એ પ્રમાણે ખાંયણી, મુશળ અને પતિથી છૂટી થઈને વાસના ઉપર જય મેળવીને હું જન્મમરણથી મુક્ત થાઉં છું.”

સંસારમાં જરામરણના માર્ગ પણ સહજ નથી પરંતુ વાંકાચૂંકા છે. આત્મજ્ઞાનદ્વારા એ માર્ગમાંથી પસાર થઈને મુક્તા અર્હત્‌પદને પામી.

३१–थेरी विशाखा

નું જીવન થેરી ધીરાને મળતું છે. અર્હત્‌પદ એણે પણ પ્રાપ્ત કર્યું હતું. એણે પોતાની ગાથામાં કહ્યું છે કે, “બુદ્ધદેવની આજ્ઞા પ્રમાણે ચાલજો. એમના આદેશ પ્રમાણે ચાલ્યાથી તમારે કદી પસ્તાવું નહિ પડે. માટે જલદીથી પગ ધોઈને નીચે દૂર એકલાં બેસો.”

એણે પોતાના ઉપદેશ અને ઉદાહરણથી બીજી પણ સ્ત્રીઓને બૌદ્ધધર્મની અનુગામી બનાવી હતી.