પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३४–धम्मा

શ્રાવસ્તી નગરીમાં એક પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મી હતી. તેનું લગ્ન પણ યોગ્ય પતિ સાથે થયું હતું. બૌદ્ધધર્મના સિદ્ધાંતોએ તેના કુમળા મગજ ઉપર ઘણી સારી અસર કરી હતી અને તેથી તેણે સંસારનો ત્યાગ કરવાનો વિચાર યુવાવસ્થામાંજ કર્યો હતો, પણ તેના સ્નેહાળ પતિએ થેરી થવાની અનુમતિ આપી નહિ, એટલે તેની હયાતીમાં ધમ્મા પરિવ્રાજિકા બની શકી નહિ; પરંતુ વિધવા થયા પછી તે પરિવ્રાજિકા બની હતી. એક દિવસ ભિક્ષા માગી આવ્યા પછી એ વિહારમાં પાછી ફરતી હતી એવામાં શરીરનું સમતોલપણું નહિ સચવાયાથી રસ્તામાં પડી ગઈ. એ બનાવથી તેની અંતરદૃષ્ટિ ઊઘડી; તેણે તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો અને સાધનાદ્વારા અર્હત્‌પદને પામી. એણે રચેલી ગાથામાં એ કથાનો ઉલ્લેખ છે. એ લખે છે કે, “ભિક્ષા માગવા સારૂ હાથમાં દંડ લઈને, દુર્બળ પગે હું રસ્તામાં ચાલતી હતી, તેવામાં હું ભૂમિ ઉપર ઢળી પડી. આ નાશવંત દેહને કેટલું બધું દુઃખ ભોગવવું પડે છે તે એકદમ મારી અંતરદૃષ્ટિને દેખાઈ આવ્યું અને દેહનું દમન કરીને મારો આત્મા મુક્ત થયો.”

३५–मेत्तिका

નું બીજું નામ સુમેખલા હતું. સુમેખલાનું નામ અપદાન ગ્રંથમાં પણ મળી આવે છે. રાજગૃહ નગરમાં એક પ્રસિદ્ધ બ્રાહ્મણ કુટુંબમાં તેનો જન્મ થયો હતો. વૃદ્ધ વયમાં તેણે ગાથાની રચના કરી છે. તેની ગાથા ચિત્રાની ગાથાને તદ્દન મળતી આવે છે. ફક્ત થોડાક શબ્દોનોજ ફરક છે.