પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३७–सुमुत्तिका (सुमंगळनी माता)

સ્ત્રીનું ખરૂં નામ સુમુત્તિકા હતું; પરંતુ થેરી ગાથાના ટીકાકારોએ તેનો ઉલ્લેખ સુમંગળની માતા તરીકેજ કર્યો છે, તેથી અમે પણ તેને એજ નામથી ઓળખાવી છે. શ્રાવસ્તી નગરીમાં એક દરિદ્ર કુટુંબમાં એનો જન્મ થયો હતો અને એક નળકાર સાથે તેનું લગ્ન થયું હતું. એનો પુત્ર સુમંગળ ઘણો જ્ઞાની અને સંસારત્યાગી સુપ્રસિદ્ધ સાધુ–થેર બન્યો હતો. એનો સ્વામી એની સાથે ઘણી નિર્દયતાથી વર્તતો હતો. એ લખે છે કે, “મારા સ્વામી પોતે બનાવેલી છત્રીના જેવી મને નજીવી ગણે છે. કામ પડે તો મને વેચતાં સુધ્ધાં અચકાય નહિ. થેરી થયાથી હું એ બધા રોગ, દોષથી બચી છું અને સ્વતંત્રપણે વિચરણ કરૂં છું તથા વૃક્ષની છાયા તળે બેસીને ધ્યાનમગ્ન થઈ જાઉં છું.

३८–जयंती (जेन्ती)

વૈશાલી નગરમાં લિચ્છવીના રાજકુટુંબમાં એનો જન્મ થયો હતો. બુદ્ધ ભગવાનનો ઉપદેશ સાંભળીને તેણે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું હતું. પોતે રચેલી ગાથામાં એ જણાવે છે કે, “જે જે સાધનો દ્વારા, જે જે માર્ગથી મનુષ્ય પરમ નિર્વાણને પ્રાપ્ત કરે છે, તે તે બધાં સાધનો અને માર્ગો મેં બુદ્ધ ભગવાનના આદેશથી પ્રાપ્ત કર્યા છે. એ ઉપદેશથી હું જીવનની અસારતા સમજી શકી છું. આજ જન્મમરણનો ધ્વંસ થયો છે; હવે મારો પુનર્જન્મ થશે નહિ.”

મનની એકાગ્રતા, જિજ્ઞાસા, ઉદ્યોગ, આનંદ, પ્રશાંતતા, સમાધિ અને અટળતા એ સાત ગુણની સમષ્ટિ જયંતીએ પ્રાપ્ત કરી હતી એમ એણે રચેલી ગાથા ઉપરથી સમજી શકાય છે.