પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४०–चित्रा

રાજગૃહ શહેરમાં એક કુલીન ગૃહસ્થને ઘેર એનો જન્મ થયો હતો. જ્યારે તે પુખ્ત વયની થઈ ત્યારે તેણે એક દિવસ રાજગૃહના દરવાજા આગળ બુદ્ધદેવને ઉપદેશ આપતાં જોયા. તેમના મધુર ઉપદેશની ચિત્રાના ચિત્ત ઉપર ઘણી અસર થઈ, તેથી તેણે મહાપ્રજાપતિ ગૌતમી પારસે દીક્ષા લીધી. ઘણાં વર્ષો સુધી ધ્યાનમગ્ન રહેવાથી એ અર્હત્‌પદને પામી હતી. તેણે પોતાની ગાથામાં લખ્યું છે કે—

“હું ઘણી દુર્બળ, ગ્લાનિયુક્ત અને કૃશ હોવા છતાં પણ હાથમાં લાકડી પકડીને પર્વત ઉપર ચઢું છું. મારા ખભા ઉપર ભિક્ષાની ઝોળી લટકી રહી છે. હું ખડકોની સામે થઈને જીવનને ટકાવી રહી છું અને ધ્યાનમગ્ન થઈને અંધકારને દૂર હઠાવું છું.”

४१–पूर्णा (पुण्णा)

શ્રાવસ્તી નગરીના એક વણિકની કન્યા હતી. મોટી વયની થયા પછી એણે મહાપ્રજાપતિ ગૌતમીને મોંએ ધર્મકથા સાંભળીને જ્ઞાન મેળવ્યું હતું અને પાછળથી દીક્ષા લઈને થેરી બની હતી. બુદ્ધદેવે ગંધકુટીમાંથી તેને ધર્મનું દિવ્યજ્ઞાન સમજાવ્યું હતું. તેણે એક ગાથા ગાઈ છે કે, “હે પૂર્ણા ! પૂર્ણિમાને દિવસે ચંદ્રમા જેવી રીતે પૂર્ણ કલાએ પહોંચે છે તેવી રીતે ધર્મથી તું પોતાના જીવનને પૂર્ણ કર ! અને પરિપૂર્ણ પ્રજ્ઞાદ્વારા અજ્ઞાનરૂપી અંધકારને વિખેરી નાખ.”

પૂર્ણા પણ અર્હત્‌પદને પ્રાપ્ત થઈ હતી.