પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४६–उत्तमा (बीजी)

કૌશલ દેશ નિવાસી એક બ્રાહ્મણની કન્યા હતી. એક દિવસ ધર્મપ્રચાર કરતા કરતા બુદ્ધ ભગવાન કૌશલ દેશમાં આવ્યા. ત્યાં આગળ એમનો ધર્મોપદેશ સાંભળ્યાથી ઉત્તમના મનમાં વૈરાગ્ય ઉપન્ન થયો અને તેણે સંસારનો ત્યાગ કરીને ભિક્ષુણીવ્રત ધારણ કર્યું. ત્યાં આગળ એકાંતમાં ધર્મચિંત્વન કર્યાથી તથા બ્રહ્મચર્યપૂર્વક જીવન ગાળ્યાથી એ અર્હત્‌પદને પામી. એણે પોતાનો અનુભવ ગાથામાં કવિતાદ્વારા ગાયો છે.

४७–दंतिका

શ્રાવસ્તીના રાજપુરોહિતની કન્યા હતી. મહાપ્રજાપતિ ગૌતમીએ તેને દીક્ષા આપી હતી. એક દિવસ તે પોતાના મઠની બહાર ઊભી હતી, એવામાં એણે એક હાથીને નદીમાં સ્નાન કરીને પાછો ફરતો જોયો. તેના મહાવતે તેને પગ નીચો વાળવાનો હુકમ આપ્યો, એટલે હાથીએ તે પ્રમાણે કર્યું અને મહાવત તેના ઉપર પગ મૂકીને હાથીની ગરદન ઉપર ચડી બેઠો.

વનપશુને આવી રીતે કેળવાયલો તથા પોતાના સ્વામીની આજ્ઞા માનતો જોઇને દંતિકાને અંતર્જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે ઘોર અરણ્યમાં એકાંત સ્થળમાં જઈને આત્મચિંંત્વન કર્યું અને બૌદ્ધધર્મની દીક્ષા લઇને આત્માનો ઉદ્ધાર કર્યો. તેણે પોતાનું આ જીવનચરિત્ર ગાથામાં સુંદર રીતે વર્ણવ્યું છે.

હાથણીને દંતિકા કહે છે. હાથીને જોઇને એને જ્ઞાન ઉપન્ન થયું, એટલા માટે એ દંતિકા નામથી ઓળખાઈ છે.