પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४८–शुक्का (शुक्ला)

રાજગૃહ નગરમાં એક પ્રસિદ્ધ વણિકના ઘરમાં તેનો જન્મ થયો હતો. બાલ્યાવસ્થામાં તેને સારૂં શિક્ષણ આપવામાં આવ્યું હતું. યૌવન પ્રાપ્ત થયા પછી બૌદ્ધધર્મનું રહસ્ય તેના જાણવામાં આવ્યું અને તે બુદ્ધદેવની ગૃહસ્થ શિષ્યા થઇ. ત્યાર પછી પ્રસિદ્ધ ઉપદેશિકા થેરી ધર્મદિન્નાનાં બોધજનક ધાર્મિક વ્યાખ્યાન તેના સાંભળવામાં આવ્યાં અને તેણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને દીક્ષા લીધી. અસાધારણ વિદ્વતાને લીધે તેને પ૦૦ ભિક્ષુણીઓની ઉપરી બનાવવામાં આવી. એ પ૦૦ ભિક્ષુણીઓના સંઘને સાથે લઈને થેરી શુક્કાએ ઘણા દિવસ સુધી બૌદ્ધધર્મના પ્રચારનું કાર્ય કર્યું હતું. તેની અમૃતમયી વાણી સાંભળીને અનેક શોકગ્રસ્ત મનુષ્યોને આશ્વાસન મળતું હતું, અનેક પાપીઓ સત્યમાર્ગના પ્રવાસી બન્યા હતા. તેનો ધર્મોપદેશ થતો તે વખતે સાંભળનારાં સ્ત્રીપુરુષો મંત્રમુગ્ધ થયાં હોય તેમ શાંત અને સ્વસ્થ થઈને એકાગ્રચિત્તે સાંભળ્યાજ કરતાં.

અનેક મનુષ્યોના આત્માને શાંતિ આપનાર ઉપદેશિકા શુક્કાના જીવનને ધન્ય છે !

४९–मित्रा

શાક્ય વંશમાં તેનો જન્મ થયો હતો. અપદાનમાં તેનું નામ નાલમાલિકા પણ લખેલું છે. પ્રજાપતિ ગૌતમીના સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો હતો અને ધર્મશાસ્ત્રનું અધ્યયન તથા એકાંતમાં ધર્મચિંત્વન કર્યાથી તેણે અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું હતું. એણે ગાથા રચેલી છે. એણે વ્રતવિધાન પણ ઘણાં કર્યાં હતાં.