પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५२–भद्रा कापिला

ગૌતમબુદ્ધના સમયમાં સાગલ નામના ગામમાં કૌશિક બ્રાહ્મણના કુટુંબમાં તેનો જન્મ થયો હતો. એ બ્રાહ્મણની અવસ્થા બહુ સમૃદ્ધિવાળી હતી, એટલે ભદ્રાનો બાલ્યકાળ ઘણા સુખ અને વૈભવમાં ગયો. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં તેનું લગ્ન મગધ દેશમાં તીર્થ ગણાતા બ્રાહ્મણી નામના એક ધનવાન યુવક સાથે થયું. એ યુવકનાં બે નામ હતાં — કાશ્યપ અને પિપ્પલી. કપિલની પુત્રી હોવાથી કપિલા–કાપિલાનિ એવા નામથી ભદ્રા પ્રસિદ્ધ થઈ છે. મહાકાશ્યપ અને ભદ્રાનો એકબીજા પ્રત્યેનો અત્યંત પ્રેમ હતો. એમનો સંસાર ઉત્તમ પ્રકારે ચાલતો; કેમકે રૂપ, વય, સદ્‌ગુણ બધામાં બન્ને એકબીજાની સમાન હતાં. આથી કરીને એમની પ્રેમગાંઠ ઘણી જ મજબૂત બંધાઈ હતી. એમનો અસાધારણ પ્રેમ આખા ગામને માટે આદર્શરૂપ થઈ પડ્યો હતો. જ્ઞાનપ્રાપ્તિમાં અને લોકસેવામાં એમનો સમય વ્યતીત થઈ રહ્યો હતો.

એવામાં ગૌતમબુદ્ધે ધર્મપ્રચારનું કાર્ય આરંભ્યું. અનેક તરુણો ગૃહસ્થાશ્રમના મોહને તિલાંજલિ આપીને બુદ્ધદેવને શરણે આવ્યા અને ધર્મપ્રચારના પવિત્ર કાર્યમાં જોડાયા. એ ધાર્મિક આંદોલનના સમયમાં ભદ્રાના પતિએ પણ પતિવ્રતા સ્નેહમૂર્તિ પત્નીના પ્રેમપાશને તોડીને ગૃહત્યાગ કર્યો અને ગૌતમનો શિષ્ય બન્યો. જતી વખતે પોતાની બધી મિલકત પ્રિયતમા ભદ્રાને સોંપી. ભદ્રાએ એ અઢળક સંપત્તિ લઈને મોજશોખમાં જીવન વ્યતીત કરવાનું ઉચિત ન ધાર્યું. પોતાના પતિએ સર્વસંગ પરિત્યાગ કરીને પ્રવજ્યા લીધી, એટલે એણે પણ બધી સંપત્તિ સગાંસંબંધીઓને વહેંચી આપી અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને પતિનું અનુસરણ કર્યું. ભર યુવાવસ્થામાં સંસારનાં સુખને લાત મારીને ભદ્રા ભિક્ષુણી બનવા તૈયાર થઈ.