પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ભગવાન બુદ્ધે ભિક્ષુસંઘની તો સ્થાપના કરી હતી; પણ ભિક્ષુણીસંઘ ત્યાં લગી સ્થપાયો નહોતો, કાશ્યપ તો સંઘમાં દાખલ થયો પણ ભદ્રાએ તો પાંચ વર્ષ સુધી ભિક્ષુણીઓની પાસે રહીને ધર્મનું શિક્ષણ મેળવ્યું.

પાંચ વર્ષ પછી મહાપ્રજાપતિ ગૌતમીએ ભિક્ષુણીસંઘની નિયમપૂર્વક સ્થાપના કરી. એ ખબર સાંભળીને ભદ્રા પ્રસન્ન થઈ અને ભિક્ષુણીસંઘમાં તેણે પ્રવેશ કર્યો. પ્રવજ્યા લીધા પછી ઉ૫સંપદા પ્રાપ્ત કરી અને પછી ઉત્તરોત્તર અધિકાર પ્રાપ્ત કરીને એ અર્હંત્‌પદને પામી. એ સ્થિતિએ પહોંચ્યા પછી પૂર્વજન્મોનું તેને સ્મરણ થયું.

પેલી તરફ મહાકાશ્યપ પણ બુદ્ધસંઘમાં બહુ પ્રસિદ્ધિને પામ્યો. સંઘમાં જે બંધનો ઢીલાં પડી ગયાં હતાં, તેને દૃઢ કરવાનું કામ એને હાથેજ થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી મહાકાશ્યપેજ પાંચસો ભિક્ષુઓની મહાસભા ભરીને બૌદ્ધશાસનમાં સુધારો કરીને એને એક ગ્રંથાકારમાં ગોઠવ્યા હતા. મહાકાશ્યપ જેવી રીતે ભિક્ષુસંઘના આગેવાન બન્યા, તેવીજ રીતે ભદ્રા ભિક્ષુણીસંઘમાં સૌથી ઊંંચે સ્થાને પહોંચી. ધર્મની કથા કહેવામાં પણ તેણે કુશળતા અને પ્રસિદ્ધિ મેળવી.

એક દિવસ જેતવનમાં બુદ્ધદેવે ભિક્ષુણીઓને તેમની યોગ્યતા પ્રમાણે પદવી આપવાનો સમારંભ કર્યો ત્યારે એમણે ભદ્રાને પૂર્વજન્મની સ્મૃતિવાળી ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપ્યું. એ પ્રમાણે ભદ્રાની અનેક જન્મની અભિલાષા પૂર્ણ થઈ.

થેરી ગાથામાં ૬૩ થી ૬૬ સુધીના શ્લોક તેના રચેલા છે. એ ઉપરથી ભદ્રાનો પતિ પ્રત્યેનો પ્રેમ અને તેની ધાર્મિક વૃત્તિઓનો પરિચય મળે છે. પોતાના પતિને એ ‘બુદ્ધિના પુત્ર અને વારસ’ તરીકે સંબોધે છે, ત્રણે વિદ્યાના અધિપતિ હોવાથી એને સાચા બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. પોતાનો પરિચય આપતાં એ કહે છે કે, “કાશ્યપની પેઠે મેં પણ ત્રણે વિદ્યા પ્રાપ્ત કરી છે; મૃત્યુ ઉપર જય મેળવ્યો છે. સેના સહિત મારનો પરાભવ કર્યો છે; એટલે મારો આ છેવટનો જન્મ છે. જગતમાં સંકટો ઘણા છે એ વાત સમજીને અમે બંનેએ પ્રવ્રજ્યા લીધી અને ત્યાર પછી ક્ષીણાસવ (અર્હંત્) બનીને, ઇંદ્રિયોનું દમન કરીને શાંત