પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
સોમા


બનીને અમે નિવૃત્ત થયાં છીએ.”

ભદ્રા મહાભાગ્યશાળી સ્ત્રી હતી. પતિની સાથે સંન્યસ્ત લેવું, એના બધા કાર્યમાં સ્વતંત્રપણે મદદ કરવી અને સાથે જ અર્હંત્‌પદ તથા નિર્વાણ પ્રાપ્ત કરવું એ ઉત્તમ પ્રકારનો સહચાર સાધીને એણે સહધર્મિણી અને સહચારિણીપદ સાર્થક કર્યું હતું.

५३–सोमा

તેનો જન્મ રાજગૃહ નગરમાં રાજા બિંબિસારના પુરોહિતની કન્યારૂપે થયો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થતાં બુદ્ધદેવનો ઉપદેશ તેના સાંભળવામાં આવ્યો અને તે ગૃહસ્થ શિષ્યા બની. ત્યાર પછી ધર્મજિજ્ઞાસા વધારે પ્રબળ થવાથી તે ભિક્ષુણીસંઘમાં દાખલ થઈ. એક દિવસ તે જેતવનમાં જઈને એક વૃક્ષ નીચે ધ્યાન ધરીને બેઠી હતી. ત્યાં આગળ માર આવીને તેને ચલિત કરવા સારૂ કહેવા લાગ્યો:—

“શું ઋષિએના જેવા ફળની તું આશા રાખે છે ? એ ફળ તો ઘણું દુર્લભ છે, હે ૨મણિ ! તારૂં કામ તો બે આંગળીઓ વડે ભાતના દાણા ચાંપી જોવાનું છે. આ કામ તારા જેવી સુકુમાર અબળાનું ન હોય !”

પરંતુ દૃઢપ્રતિજ્ઞ સોમાએ પ્રત્યુત્તર વાળ્યો કે, “હે માર ! સ્ત્રીજાતિમાં જન્મ પામવાથી ધર્મસાધનામાં મને કેવી રીતે અડચણ પડવાની હતી ? મારૂં ચિત્ત જો સ્થિર અને દૃઢ હશે, જો મારી ધર્મદૃષ્ટિ ઊઘડેલી હશે, જો મારા ચિત્તમાં જ્ઞાનનો ઉદય થયો હશે, તો નારીજન્મ મને કોઈ પણ પ્રકારે વિઘ્નરૂપ થઈ પડવાનો નથી; માટે તું મને સંસાર ઉપર મોહ ઉપજાવવાનો મિથ્યા પ્રયત્ન છોડી દઈને ચાલ્યો જા.”

થેરી ગાથામાં ૬૦, ૬૧ અને ૬૨મા શ્લોકની રચના તેની છે.