પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५५–बड़्ढेसी

નું ગોત્રનામ જાણ્યામાં આવ્યું નથી. દેવદહ નગરમાં તેનો જન્મ થયો હતો અને તે મહાપ્રજાપતિ ગૌતમીની ધાત્રી હતી. જ્યારે મહાપ્રજાપતિ ગૌતમીએ સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેણે પણ એમનું અનુસરણ કર્યું; પરંતુ પચીસ વર્ષ સુધી તેનું ચિત્ત એકાગ્ર થઈ શક્યું નહિ તથા વિયોગની લાલસા તેના હૃદયમાંથી જડમૂળમાંથી નીકળી ગઈ નહિ. આખરે ધર્મદિન્નાનો ઉપદેશ સાંભળ્યાથી તેની અધમ વાસનાઓનો નાશ થયો અને તેને અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ. પોતે અંતર્જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું, તેનું વર્ણન તેણે થેરી ગાથામાં ૬૭ થી ૭૧ સુધીના શ્લોકમાં કર્યું છે.

५६–सीहा (सिंहा)

લિચ્છવી રાજાઓના સેનાપતિઓ સિંહ ઉપાધિથી ઓળખાતા હતા. સીહા એ સમયના વૈશાલિના સેનાપતિની ભાણેજ થતી હતી. કુમારી દશામાંજ તે થેરી થઈ હતી. સાત વર્ષ સુધી તેણે ચિત્તને કાબૂમાં લાવવાનો ઘણો યત્ન કર્યો પણ સફળતા ન મળી, ત્યારે નિરાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણવાનો સંકલ્પ કર્યો; પરંતુ ગળે ફાંસો ખાવા જતી હતી તે જ વખતે તેનું ચિત્ત એકદમ સંયમમાં આવી ગયું અને તેને અંતર્જ્ઞાન ઉત્પન્ન થયું. થેરી ગાથામાં ૭૭ થી ૮૧ સુધીના શ્લોક તેના રચેલા છે.