પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५७–सुंदरी नंदा

સુંદર યુવતીનો જન્મ મહાપ્રજાપતિ ગૌતમીના ગર્ભમાં થયો હતો, એટલે એ બુદ્ધ ભગવાનનાં બહેન થાય. રાજકુટુંબમાં જન્મ અને મહાપ્રજાપતિના હાથનો ઉછેર, એટલે નંદાને કેવું શિક્ષણ માળ્યું હશે તેનું અનુમાન તો વાચકો કરી જ શકશે. એને લોકો ‘જનપદ કલ્યાણી’ નામથી ઓળખતા.

બુદ્ધદેવના ઉપદેશથી પોતાના ભાઈ નંદ અને ભત્રીજા રાહુલે પ્રવજ્યા લીધી, ત્યાર પછી થોડા દિવસમાં પિતા શુદ્ધોદનનું મૃત્યુ થયું. માતા, મહાપ્રજાપતિ અને ભાભી યશોધરાએ પણ ભિક્ષુણીવ્રતને અંગીકાર કર્યું. એ વખતે સુંદરી નંદાના મનમાં પણ વિચાર આવવા લાગ્યો કે, “આજ દિવસ સુધી મેં સંસાર અને સાંસારિક સુખ સિવાય બીજા કશાનો વિચાર કર્યો નથી. આ સંસાર તો ક્ષણભંગુર છે. સંસારનું સુખ તો આજ છે ને કાલ નથી. મારા મોટાભાઈ રાજપાટનો ત્યાગ કરીને બુદ્ધ થયા છે, તેમના પુત્ર રાહુલે પણ સંસારનો ત્યાગ કર્યો છે. મારા ભાઈ નંદ, માતા મહાપ્રજાપતિ તથા રાહુલ માતાએ – બધાંએ સંસારથી વિરક્ત થઈને તેનો ત્યાગ કર્યો છે, તો હું એકલી આ રાજમહેલમાં રહીને શું કરીશ ? મારે પણ સંસારનો ત્યાગ કરીને દેહનું સાર્થક કરવું જોઈએ.” એ પ્રમાણે અંતરના તીવ્ર વૈરાગ્યને લીધે નહિ, પણ સગાંસંબંધીઓ પ્રત્યેના પ્રેમને લીધે તેણે ભિક્ષુણીવ્રત લીધું. ભિક્ષુણી બન્યા છતાં પણ તેને પોતાના સૌંદર્ય માટે ઘણું અભિમાન હતું. રૂપવતી સ્ત્રીઓ માટે બુદ્ધદેવને અણગમો છે, એ વાતની એને ખબર હતી. એથી એ કદી બુદ્ધદેવ પાસે જતી નહિ. જ્યારે જ્યારે એમની કથા કે ધર્મોપદેશ સાંભળવાનો વારો આવે ત્યારે એ કાંઈ ને કોઈ બહાનું કાઢીને મઠમાં રહી જતી અને પોતાને બદલે બીજી કોઈ