પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


થેરી ગાથામાં નંદાએ ગાયેલી ગાથા ઘણી હૃદયસ્પર્શી છે. બુદ્ધદેવના ઉપદેશને અનુસરી, વારંવાર પોતાની જાતને ઉદ્દેશીને એ કહે છે: “નંદા ! રોગ, અશુચિ, સડો અને દુર્ગંધ એ બધાથી યુક્ત આ શરીરનું નિરીક્ષણ કર ! અશુભ ભાવનાની ભાવના કર અને ચિત્તમાં એકાગ્રતા આણ. શરીરની જે હકીકત છે તેજ તારી પણ છે. તારી જે ગતિ તેજ શરીરની ગતિ છે. શાંત, સ્વસ્થ ચિત્તે તું રાતદિવસ એનો વિચાર કર. એમ કર્યાથી સૌંદર્યની ગુલામીમાંથી મુક્ત થઈને, પોતાની પ્રજ્ઞાના બળ વડે તને માર્ગ મળી આવશે અને ચિંતા જતી રહેશે. શાશ્વત સત્યનો વિચાર કર્યાથી તથા પ્રમાદ છોડી દઈને, શરીરની બહાર અને અંદર શું છે, તેનો વિચાર કર્યાથી, આજ ક્ષણે તારી કાયાની માયા જતી રહેશે અને આજ ને આજ પ્રાણ અધ્યાત્મ રાજ્યમાં વિરાજશે. આજ તું અપ્રમત્ત, મુક્ત, શાંત બનશે. એજ ખરૂં નિર્વાણ છે.”

५८–मित्तकाली (मित्रकाली)

નો જન્મ કુરૂરાજ્યમાં એક બ્રાહ્મણને ઘેર થયો હતો. એનો વિશેષ વૃત્તાંત જાણવામાં આવ્યો નથી. એટલું જણાયું છે કે ભિક્ષુણી થયા પછી પણ સાત વર્ષ સુધી તે પોતાના સ્વભાવને વશ કરી શકી નહોતી. તેનો સ્વભાવ ઘણો કજિયાખોર હતો. સાથે રહેનારી ભિક્ષુણીઓ સાથે તે વારંવાર કલહ કર્યા કરતી; પરંતુ પાછળથી તેનામાં ધર્મનું દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું અને ઘણી સુશીલ તથા શાંત પ્રકૃતિની બની ગઈ. થેરી ગાથામાં ૯૨થી ૯૬ સુધીના શ્લોક તેના રચેલા છે.