પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६२–सोणा

શ્રાવસ્તી નગરીમાં એક કુળવાન ક્ષત્રિયના ઘરમાં એનો જન્મ થયો હતો. લગ્ન થયા પછી એક કુશળ ગૃહિણી તરીકે તે પ્રસિદ્ધિ પામી હતી. તેને સંપત્તિ અને સંતતિ બંને પુષ્કળ હતાં. દશ પુત્રપુત્રીઓની માતા હોવાથી લોકો તેને ‘બહુ પુત્તિકા’ પણ કહેતા. બાળકોને શિક્ષણ આપવામાં તથા સદાચારી બનાવવામાં તેણે બહુ શ્રમ લીધો હતો. એ કાર્યમાં એણે પોતાની બધી સંપત્તિનો ઉપયોગ કર્યો હતો. એને આશા હતી કે આ પુત્રો વૃદ્ધાવસ્થામાં એની સેવા કરશે, પરંતુ એ આશામાં એને નિષ્ફળતા મળી. એના પતિએ તો પહેલેથી પ્રવજ્યા લીધી હતી. પુત્ર અને પુત્રવધૂથી સતાવાયલી સોણાને સંસારમાં શરણ લેવા યોગ્ય બીજું કોઈ સ્થાન ન જડ્યું. સંસારનાં સુખોની માયા તોડીને, જનસેવાની વ્રતધારિણી ભિક્ષુણી બનવાનો તેણે સંકલ્પ કર્યો. ભિક્ષુણીસંઘમાં દાખલ થઈને તેણે બુદ્ધદેવનું શરણ લીધું.

સુખ અને વૈભવમાં ઉછરેલી હોવાથી શરૂઆતમાં તો સંઘના નિયમો એને બહુ વસમા લાગ્યા, આ સંયમ વડે એણે એ નિયમોનું પાલન કરવાની ટેવ પાડી. પુત્રોની વર્તણુંકથી તેને કોઈક વાર ખેદ થઈ આવતો. એ ખેદ દૂર કરવાને માટે એણે ‘દ્વત્તિતાકાર’ નામનું એક વ્રત કરવા માંડ્યું. એ વ્રત કરનારને આ માનવી કાયાની બત્રીસ પ્રકારની અવસ્થાનું વારંવાર સ્મરણ કરવાનો નિયમ હતો, એકાંતમાં બેસીને એ સ્મરણ કરતી કે, શરીર કેશ, નખ, દાંત, ચામડી, હાડકાં વગેરે વગેરેનું બનેલું છે; એમાંથી લોહી, થૂંક, પરૂ, મળ, મૂત્ર વગેરે ગંદા સૂગ ચડે એવા પદાર્થો નીકળે છે, વગેરે વગેરે. એ પ્રમાણે વિચાર કર્યાથી શરીર પ્રત્યેનો મોહ છૂટી જતો અને વૈરાગ્યનો ઉદય થઇ, ચિત્તમાં જાગૃતિ આવતી. એ વ્રતથી સોણાના હૃદયનું શલ્ય દૂર થયું.