પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
ભદ્દા કુંડલકેશા



અલંકાર તમારા છે, આ જીવન પણ તમારૂં છે, મારો વધ શું કામ કરો છે ? તથા અલંકાર લઈને નાસી જવાના ઈરાદો શું કામ રાખો છો ?” પરંતુ દુષ્ટ સાર્થકના પથ્થર જેવા સખ્ત હૃદય ઉપર તેની કોઈ અસર થઈ નહિ. તેણે પોતાનો વિચાર બદલ્યો નહિ. ત્યારે ભદ્દાએ પોતાનો જીવ બચાવવા સારૂ બીજી એક યુક્તિ શોધી કાઢી. તેણે કહ્યું: “પ્રાણનાથ ! મને મારી જ નાખવી છે, તો મારી એક વિનતિ સ્વીકારો. મને છેલ્લી વખત પ્રેમપૂર્વક આપને આલિંગન આપવા દો.” સાર્થકે તેનો સ્વીકાર કર્યો અને આલિંગન સારૂ હાથ પહોળા કર્યા એટલે ભદ્દાએ તે દુષ્ટને ધક્કો મારીને પર્વત ઉપરથી ગબડાવી મૂક્યો. સાર્થક નીચે પડ્યો એટલે એ પર્વતમાં વસતા દેવતાએ ભદ્દાની સમયસૂચકતાની ઘણી પ્રશંસા કરી. એ પ્રસંગને લઈને ટીકાકાર ધર્મેપાલ લખે છે કે, “પુરુષ શું બધી જગ્યાએ પંડિતાઈ બતાવી શકે છે ? રમણી પણ કામ પડ્યે વિચક્ષણ પંડિતાઈ બતાવી શકે છે.”

ત્યાર પછી ભદ્દા એ વિચાર્યું કે, “મારે હવે ઘેર પાછાં જવું એ મિથ્યા છે. હું અહીંથી જ સંસારનો ત્યાગ કરીશ.” એ ઉદ્દેશથી એ જૈનોના નિર્ગંથ સંપ્રદાયમાં સામિલ થઈને ભિક્ષુણી બની. ત્યાંની સાધ્વીઓએ તેને પૂછ્યું: “તું કયી શ્રેણીમાં દીક્ષા લેવા માગે છે ?” એણે કહ્યું: “સૌથી ઊંંચા પ્રકારની.” ત્યાર પછી તેમણે કાંસકા વતી તેના સુંદર વાળ કાપી નાખીને દીક્ષા આપી. પરંતુ પાછા જ્યારે તેના વાળ ઊગ્યા ત્યારે ગૂંચળાંવાળા જણાયા. તેથી તેઓએ તેનું નામ કુંડલકેશા પાડ્યું. સાધ્વીઓના આશ્રમમાં રહીને ભદ્દાએ જૈનધર્મશાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું, પરંતુ એથી તેને સંતોષ ન થયો, એટલે તેમની સંગત છોડીને એ બહાર નીકળી પડી. શાસ્ત્રાર્થ કરવાની તેનામાં અદ્‌ભુત શક્તિ આવી હતી. રસ્તામાં જે જે વિદ્વાન પંડિતો મળ્યા તેમની સાથે ધર્મ સંબંધી વાદવિવાદ કરવા લાગી; પરંતુ એની શંકાઓનું સમાધાન કરે એવો કોઈ પણ પંડિત તેને મળ્યો નહિ. ત્યાર પછી તે એવું કરવા લાગી કે જે ગામમાં જાય તે ગામની ભાગોળ આગળ રેતીનો ઢગલો કરીને એમાં એક છોડવો દાટતી અને ગામનાં છોકરાંઓને કહેતી કે, “તમે અહીંયાં રમ્યા કરજો અને કોઈ શાસ્ત્રી, પંડિત કે સંન્યાસી મારી સાથે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા બતાવે તો એને આ છોડવાને પગ તળે કચરી નાખવાનું કહેજો.”