પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



પટાચારા દેશમાં આવતી હતી, એટલામાં એક દુર્ઘટના બની. પટાચારાના પ્રિય પતિને રસ્તામાં સર્પે દંશ દીધો અને રસ્તામાંજ તેનો પ્રાણ છૂટી ગયો. પટાચારાના બન્ને પુત્ર હજુ દૂધપીતાં બાળક હતાં. અભાગિની પટાચારા એ મહાકષ્ટ સહન કરીને કરુણાજનક વિલાપ કરતી કરતી પુત્રોની સાથે રસ્તો કાપવા લાગી; પરંતુ તેના ઉપર બીજી વધારે મોટી આફત આવી પડી. પોતાના નાના બાળકને એક ઝાડ તળે સુવાડીને પટાચારા કાંઈ કામ સારૂ જરા દૂર ગઈ એટલામાં એક જંગલી પક્ષી આવીને એ બાળકને લઈને ઊડી ગયું. આટલું દુઃખ પણ પૂરતું ન હોય તેમ તેના ઉપર એક વધારે વિપત્તિ આવી પડી. તેનો બીજો પુત્ર— તેના જીવનનો એક માત્ર આધાર—તે પણ નદી ઊતરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ જઈને મરણ પામ્યો.

પટાચારાના શોકનો પાર રહ્યો નહિ. એ ગાંડી થઈ ગઈ. છેલ્લી દુર્ઘટના જે સ્થળે બની હતી તે સ્થાન શ્રાવસ્તી નગરથી ઘણે દૂર નહોતું. ગમે તે પ્રકારે એક વાર શ્રાવસ્તી નગરમાં જઈને માતપિતાનાં દર્શન કરવાની તેને ઈચ્છા થઈ; પરંતુ નસીબ ચાર ડગલાં આગળજ ચાલતું હતું. શ્રાવસ્તી નગરમાં ગયા પછી પટાચારાને ખબર પડી કે તેનાં માતપિતા એક દિવસ વંટોળિયામાં ઘર તૂટી પડવાથી, ઘરની નીચે ચગદાઈ જઈને મરણ પામ્યાં છે. આ સમાચાર સાંભળતાંવારજ પટાચારાના હોશકોશ બિલકુલ ઊડી ગયા. એ ખરેખરી ઉન્માદિની થઈને આખા શહેરમાં ફરીને જોરથી પોતાના દુઃખની કહાણી ગાવા લાગી :—

उभो पुत्रा कालंकता पंथे मह्यं पति मतो ।
माता पिता च भ्राता च एकचित कस्मिन्डश्यरे ।।

એ સમયમાં ભગવાન બુદ્ધદેવ શ્રાવસ્તી નગરીમાં વાસ કરતા હતા. તેમના મહિમાની તથા તેમના નવા ધર્મની કથા ચારે તરફ પ્રસરી ગઈ હતી. શોકાતુર રમણી પટાચારા પોતાની શોકકથા કહેતી કહેતી અશ્રુધારાથી તેમનાં ચરણારવિંદ પ્રક્ષાલન કરતી બુદ્ધ ભગવાનના ચરણમાં જઈને પડી. કેવળ પટાચારાજ નહિ પણ બીજાં પણ અસંખ્ય દુઃખી સ્ત્રીપુરુષો આશ્વાસન લેવાને તથા ધર્મોપદેશદ્વારા શોકસંતપ્ત હૃદયને શીતળ કરવા માટે બુદ્ધદેવ પાસે જતાં. બુદ્ધદેવના પવિત્ર ચરિત્ર તથા મનુષ્યો ઉપરની કરુણાએ સર્વેનાં ચિત્તને તેમની તરફ આકૃષ્ટ કર્યાં હતાં.