પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
પટાચારા



પટાચારા જ્યારે બુદ્ધદેવની પાસે ગઈ ત્યારે દયાળુ બુદ્ધદેવે મીઠાં વચનોથી તેનો સત્કાર કર્યો અને તેને એવો અમૂલ્ય મધુર ઉપદેશ આપ્યો કે એ પોતાનું સઘળું દુઃખ એકદમ વીસરી ગઈ. એ ઉપદેશમાંનું એક વચન ‘ધમ્મપદ’ ગ્રંથમાં સમાયલું છે. ‘જન્મ અને મૃત્યુ જોયા વગર સો વર્ષ સુધી જીવવા કરતાં તેનું ખરૂં રહસ્ય સમજીને એક દિવસ પણ જીવન ધારણ કર્યું હોય તો તેનું ફળ અધિક છે.’

પટાચારા હવે સંસારત્યાગી ‘થેરી’ ભિક્ષુણી બની. જનસમાજની સેવા કરવામાં તથા તેમને ધર્મોપદેશ આપવામાં તેણે પોતાનું જીવન સમર્પણ કર્યું. સેંકડો શોકાતુર રમણીઓ પટાચારા પાસે ઉપદેશ સાંભળવા આવતી, તેના ઉપદેશ અને દિલાસાથી તેઓ થોડા સમયમાંજ પોતાનું દુઃખ વીસરી જતી અને પટાચારાનું શિષ્યત્વ ગ્રહણ કરતી. પિટક ગ્રંથ વાંચતાં જણાઈ આવે છે કે એક વખત પાંચસો સ્ત્રીઓની સભામાં પટાચારાએ એવો સરસ ધર્મોપદેશ આપ્યો હતો કે એ સ્ત્રીઓએ બુદ્ધદેવના નવા ધર્મની દીક્ષા લીધી હતી. પોતાના વ્યાખ્યાનદ્વારા એકજ સાથે આટલી મોટી સંખ્યા ઉપર આવી ગંભીર અસર કરવાનું સદ્‌ભાગ્ય માત્ર થોડાજ પુરુષ વક્તાઓને પ્રાપ્ત થયું હશે. કોઈ પણ દેશના ધર્મસમાજના ઇતિહાસમાં બૌદ્ધધર્મમાં દીક્ષા પામેલી ‘થેરી’ (સ્થવિરા અર્થાત જ્ઞાનવૃદ્ધ) ભિક્ષુણીઓના જેટલી પ્રભાવશાળી રમણીઓની કથા વાંચવામાં આવતી નથી.

‘થેરીગાથા’ નામના પુસ્તકમાં પટાચારાની સરળ પ્રાકૃત ભાષામાં રચેલી અનેક ગાથાઓનો સંગ્રહ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ભારતવર્ષની સ્ત્રીઓ કેવી સરસ રચના કરી શકતી હતી તેનું ભાન એ ગાથાઓ વાંચવાથી થાય છે. આ ગ્રંથમાં પટાચારાના જેવી બીજી પણ ૭ર ‘થેરી’ઓની રચેલી ગાથા છે.

એક વખત જેતવનના વિહારમાં ઉત્સવ શરૂ થયો. બુદ્ધદેવે આસન ઉપર બિરાજીને ભિક્ષુણીઓને યોગ્યતાનુસાર પદવી આપવા માંડી. પટાચારાનો વારો આવ્યો ત્યારે વિનયધરા ભિક્ષુણીઓમાં તેને અગ્રસ્થાન આપ્યું.

ઉત્તમ ધર્મકથાકાર તથા સંઘનાયિકા તરીકે પટાચારાની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ હતી.