પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६६–वाशिष्ठी

વૈશાલી નગરમાં એક ધનાઢ્ય અને વૈભવશાળી બ્રાહ્મણ કુટુંબમાં તેનો જન્મ થયો હતો. પોતાનાજ જેવા ધનવાન અને પ્રતિષ્ઠાવાન કુળના એક યુવક સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું હતું. વાશિષ્ઠીને પતિ ઉપર ઘણો પ્રેમ હતો. બંનેનો સંસાર ઘણા સંપમાં સુખપૂર્વક ચાલતો હતો. થોડા સમયમાં વાશિષ્ઠીએ એક સુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. હવે એ દંપતીના સુખનો પાર રહ્યો નહિ; પરંતુ વિધાતાની કળા વિચિત્ર છે. એ પ્રેમી દંપતીના નેત્રમણિ સમાન એ બાળક ચાલવા યોગ્ય થયો તે સમયે વિકરાળ કાળનો ગ્રાસ થયો. એના મૃત્યુથી માતપિતા બંનેને દારુણ શોક થયો.

સગાંવહાલાંઓ વાશિષ્ઠીના પતિને આશ્વાસન આપવામાં રોકાયાં હતાં તેવામાં લાગ સાધીને વાશિષ્ઠી ઘરબારનો ત્યાગ કરીને અરણ્યમાં નીકળી પડી. ફરતી ફરતી એ મિથિલા નગરીમાં આવી પહોંચી અને ત્યાં આગળ મહાસંયમી, પૂજ્યપાદ ભગવાન બુદ્ધદેવનાં તેને દર્શન થયાં. તેમના દર્શનમાત્રથી તેનો શોક જતો રહ્યો અને અંતઃશાંતિને સારૂ તેણે ભગવાન પાસે ઉપદેશ માગ્યો તથા ભિક્ષુણીસંઘમાં દાખલ થવાની ઈચ્છા દર્શાવી, ભગવાન બુદ્ધદેવે તેને ભિક્ષુણીસંધમાં દાખલ કરી તથા આવશ્યક સંસ્કારપૂર્વક તેને દીક્ષા આપી. સ્વયં બુદ્ધદેવને મુખેથી ધર્મનું રહસ્ય શીખ્યાથી વાશિષ્ઠી ઘણા થોડા સમયમાં અર્હંત્‌પદને પામી ગઈ.

થેરીગાથામાં ૧૩૩થી ૧૩૮ સુધીના શ્લોકમાં તેણે પોતાનું આત્મચરિત્ર વર્ણવ્યું છે.