પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७३–उपचाला

પણ સાધુ સારીપુત્તની અને આગલા ચરિત્રમાં વર્ણવેલી સાધ્વી ચાલાની બહેન હતી. એણે પણ ભાઈના સાધુ થયા પછી સંસારનો ત્યાગ કરીને ભિક્ષુણીવ્રત ધારણ કર્યું હતું. થેરીગાથામાં એની રચના છે. એ સત્યમાં શ્રદ્ધાવાળી, સંયમ ધારણપૂર્વક, સાધુઓને મળતી શાંતિ પ્રાપ્ત કરીને ધર્મમાં નિમગ્ન હતી; એ સમયે માર તેને ધર્મના માર્ગમાંથી ચળાવવા સારૂ એની પાસે ગયો અને કહેવા લાગ્યો:—

“તને આ મનુષ્યજન્મ પસંદ નથી ? જીવને ભોગવવા યોગ્ય સુખ અને ભોગવિલાસ નહિ ભોગવે તો પછી પસ્તાવો થશે.” ઉપચાલા તો જ્ઞાની હતી. મારની પ્રપંચ જાળમાં ફસાય એવી ન હતી. એણે કહ્યું: “જે જન્મ્યો છે, તેને મરવાનું જરૂર છે. માણસોને હાથે હાથપગ કાપી નખાવા, કેદ થવું અને વધ થવો આદિ અનેક જાતનાં દુઃખ એને લાગેલાં હોય છે. શાક્યકુળમાં જન્મેલા બુદ્ધ અત્યારે જાગ્રત છે, એમણે મને ઉપદેશ આપ્યો છે, તે વડે હું જન્મને જીતી ગઈ છું. દુઃખ શાથી ઉત્પન્ન થાય છે અને શાથી જાય છે, એ આર્યોના અષ્ટાંગ ધર્મને હું જાણું છું.”

७४–शिशु उपचाला

સાધ્વી ઉપચાલાની નાની બહેન હતી અને એમની માફકજ સાધ્વી થઈ હતી. એને પણ માર લલચાવવા સારૂ આવ્યો હતો; પરંતુ મારને ધર્મનો ઉપદેશ આપીને એણે વિદાય કર્યો હતો.

થેરીગાથામાં ૧૯૬ થી ૨૦૩ સુધીના શ્લોક એના રચેલા છે.