પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७५–पुण्णिका

બૌદ્વધર્મના ભિક્ષુસંઘમાં જેવી રીતે સારીપુત્ત, કાત્યાયન વગેરે મોટા તત્ત્વજ્ઞાની ધર્મોપદેશક થઈ ગયા છે, તેવીજ રીતે ભિક્ષુણીસંઘમાં ક્ષેમા, ઉત્પલવર્ણા વગેરે ભિક્ષુણીઓ થઈ ગઈ છે. કેટલેક પ્રસંગે મોટા વિદ્વાન પુરુષોને પણ તેમણે અધિકાર યુક્ત વાણી વડે ઉપદેશ કરીને સન્માર્ગે વાળ્યા હતા. તેમાંની એક પુણ્ણિકા નામની ભિક્ષુણીની ગાથા પાલી ગ્રંથોમાંથી અહીં ઉતારીએ છીએ.

પુણ્ણિકા નામની ભિક્ષુણી સવારમાં ઉઠીને વિહારમાંની ભિક્ષુણીઓ માટે પાણી ભરવા નદી ઉપર ગઈ હતી. ત્યાં એક બ્રાહ્મણ પ્રાતઃસ્નાન કરતો હતો તેને જોઈને તે બોલી:—

उदकहारी अहं सीते सदा उदकमोतर्रि ।
अय्यानं दंडभयं भीता चाचादो सभमद्विता ॥
कस्स ब्राह्मणत्वं भीतो सदा उदक मोतर्रि ।
वेध मानेहि गत्तेहि स्रोतं वेदयसे भुसं ॥

આ ટાઢમાં ભિક્ષુણીસંઘના ભયથી (મને દોષ આપશે એવા ભયથી) પાણી ભરવા હું આ પાણીમાં ઊતરૂં છું, પરંતુ હે બ્રાહ્મણ ! તારાં આ ઠંડીથી અકડાઈ ગયેલાં ગાત્રથી તું આ પાણીમાં ઊતરે છે તે કોના ભયથી ? ઠંડીથી તું અકડાઇ ગયેલો લાગે છે.”

બ્રાહ્મણે કહ્યું: “હું પુણ્યકર્મ કરૂં છું અને પાપનો નિરોધ કરૂં છું, એ જાણવા છતાં હે પુણ્ણિકા ! તું આ પ્રશ્ન કેમ પૂછે છે ? જે કોઈ વૃદ્ધ કે તરુણ પાપ કરે છે, તે પ્રાતઃસ્નાનથી તે પાપથી મુક્ત થાય છે (એ તને ખબર નથી શું ?)”

પુણ્ણિકા બોલી: “હે બ્રાહ્મણ ! સ્નાનથી પાપમુક્ત થવાય છે, એ તું અજ્ઞાનને લીધે કહે છે.

૧૪૦